કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ઘટડાનો ઘાટ
Jump to navigation
Jump to search
૧૦. ઘટડાનો ઘાટ
ઘટડાનો ઘાટ ઉતાર્યો
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો
આંસુને નીર છંટકાર્યો,
વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે
આંહી ને ત્યાં ઠમઠાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે
સમતાસલિલે એને ઠાર્યો,
ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો,
રૂદિયાના રંગે શણગાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં,
ઘટના અવતારે એ વિધ તાર્યો,
‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’,
ઘટડાએ શબદ ઉચ્ચાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
(રામરસ, પૃ. ૩૨)