કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તબિયત ઉદાસ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૩. તબિયત ઉદાસ છે

છેડો ન કોઈ સાજ, તબિયત ઉદાસ છે;
દિલ, બંધ કર અવાજ, તબિયત ઉદાસ છે.
ઓ મેઘ, આજ તુંય વરસ લાખ ધારથી;
છોડી દે વીજગાજ, તબિયત ઉદાસ છે.
એકે પ્રદીપ મારી કને ડોકશો નહીં;
અંધાર, રાખ લાજ, તબિયત ઉદાસ છે.
આજે તમેય મારી કને આવશો નહીં;
છો ને તમારે કાજ તબિયત ઉદાસ છે.
ખાલી આ રૂપ રંગનો મેળો નિહાળીને,
આવી ગયો છું વાજ, તબિયત ઉદાસ છે.
દુનિયાથી દિલ ઊઠી ગયું છે એવું, ના પૂછો;
માયૂસ છે મિજાજ, તબિયત ઉદાસ છે.
ગાફિલની કાલ કેવી હશે, તે ખબર નથી,
ગમતું ન એને આજ, તબિયત ઉદાસ છે.

(બંદગી, પૃ. ૨૪)