કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તરસ્યો જાય તોખાર
Jump to navigation
Jump to search
૨૬. તરસ્યો જાય તોખાર
કોઈ અનહદના ઓવારે રે
કોઈ પ્રેમળ પારાવારે રે મારો તરસ્યો જાય તોખાર.
કંઈક સમંદર ખારા વટિયો;
અગનથકી પાછો નવ લટિયો;
રટિયો રે નિજ જોમતણું એ માતમ વારંવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.
જ્યોતતણી ઝલકુંમાં નાયો;
શૂન્યતણે સંચાર સમાયો;
કદમ ન ડગિયા, નેણાં લગિયાં તૃપ્તિતણે તવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.
તરસ ન છીપી અવ લગ, હરિવર!
અશ્વ થયો છે તરવર તરવર;
સરોદ, ક્યાં લગ રહી શકીશ હું અશ્વતણો અસવાર?—
રે મારો તરસ્યો જાય તોખાર.
(સુરતા, પૃ. ૨૧)