કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પરબનું પાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. પરબનું પાણી

આ જીવતર જાણો પરબનું પાણી.
કોણે ભરીને મૂક્યું વનરાની વાટમાં,
કોઈ શક્યું ન પિછાણી;
નાનકડી દોણકીમાં છલછલતું નીર જોઈ,
તૃષ્ણા તરસી મલકાણી!
આ જીવતર જાણો પરબનું પાણી.
કોઈ ચાંગળીએ પીએ, ખોબલે પીએ કોઈ,
કોઈ દોણીને મુખ આણી;
ખાલી ને ખમ્મ થઈ મટુકી માંડવડાની
તો ય ન તૃષ્ણા બુઝાણી!
આ જીવતર જાણો પરબનું પાણી.
વસમો વિસામો માની પંથ ઊભો છે પથી,
એણે આ દોણકીને જાણી;
ઘૂંટ બે પીધા ને પછી પંથે છે દોટ દીધી,
જગને પરબડી પ્રમાણી!
આ જીવતર જાણો પરબનું પાણી.

(રામરસ, પૃ. ૨૩)