કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/એ જ મારો હાલ છે
એ જ છે મારી દશા ને એ જ મારો હાલ છે,
આજ જેવી આજ પણ લાગે છે કે ગઈકાલ છે.
હું મને પોતાને પણ મોઢું ન દેખાડી શકું,
આરસી જોતો નથી શું જોવા જેવા હાલ છે.
તારી માફક થઈ ગયા વરસો મને રસ્તા ઉપર,
જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે.
મારું મયખાનું ભલું જ્યારે ચાહું નીકળી શકું,
શેખજી કાબામાં તો ચારે બાજુ દીવાલ છે.
જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી,
એ મને પૂછે છે કે આ કેવો તારો હાલ છે?
આવી સમતુલા મહોબ્બતના વિના બીજે નથી,
એને એવું દુઃખ રહે છે જેને જેવું વ્હાલ છે.
કોઈની ટીકા કે હમદર્દી ન કર સમજ્યા વિના,
શું ખબર કઈ દિશામાં કોનો કેવો હાલ છે.
‘આજ’ થઈને જ્યારે સામે આવશે એમ જ જશે,
એમ તો મેં પણ ઘણી નક્કી કરેલી કાલ છે.
આ શિખામણમાં બધું આવી ગયું સાંભળ જરા,
જો સમય કરતાંયે મોંઘી આ દિલની ચાલ છે.
એક તૌબા એક તમાચાની જરૂરત છે ‘મરીઝ’,
હાથ ઉપાડો કે બહુ નજદીક ખુદના ગાલ છે.
(આગમન, પૃ. ૧૩૫)