કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ખ્યાલ આવ્યો છે મને
એનું આ ઢંઢોળવું છે, ખ્યાલ આવ્યો છે મને,
આ નથી બેચેની પણ એણે હલાવ્યો છે મને.
છે બહુ નિષ્ઠુર જે આનંદ આવ્યો છે મને,
ઘરની બરબાદી ઉપર એણે હસાવ્યો છે મને.
તો પછી આ આગ શેની છે કણેકણમાં અહીં,
હું નહીં માનું કે માટીથી બનાવ્યો છે મને.
આ ચમનમાં બીજે તો હું ક્યાં હસી શકતો હતો,
સ્મિત રૂપે એને ફૂલોમાં વસાવ્યો છે મને.
તારા જુલ્મોમાં ઊણપ હો એ મને ગમતું નથી,
તું સતાવી ના શકે તો મેં સતાવ્યો છે મને.
કહેવા ખાતર આમ જીવન એક બિંદુ સમ હતું,
તે છતાં એણે અહીં ક્યાં ક્યાં ડુબાવ્યો છે મને.
આમ નહીં તો ક્યાં ભટકતે, ક્યાં જતે દુનિયામાં હું,
સારું છે તેં તારી શેરીમાં ફરાવ્યો છે મને.
એનાથી એક પળ બનું ગાફિલ, નથી એને પસંદ,
ઊંઘ આવી છે તો સ્વપ્નામાં જગાવ્યો છે મને.
આ સુખડનો લેપ, આ કોરું કફન, ને આ શાંતિ,
આવ હવે જોવા કે મૃત્યુએ સજાવ્યો છે મને.
આમ હું સ્વભાવે આનંદી ને બેપરવા હતો,
સૌએ પોતાના દુઃખો કહી કહી રીબાવ્યો છે મને.
હાથ ને પગ પર નથી કોઈ ચપળતા, સ્થિર છું,
આંગળીને વેઢે આ કોણે નચાવ્યો છે મને.
મારી ચડતીપડતી એની આંગળીનો સ્પર્શ છે,
એણે નિજ માળાના મણકામાં પુરાવ્યો છે મને.
એક વેળા નહીં બચાવે તો મરી જઈશું 'મરીઝ',
કંઈક વેળા મારા અલ્લાહે બચાવ્યો છે મને.
(આગમન, પૃ. ૧૩૮-૧૩૯)