કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/જીવન-મરણ
Jump to navigation
Jump to search
૪૭. જીવન-મરણ છે એક
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું,
વિખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
(નકશા, પૃ.__ )