કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/પહેલાં જેમ રહ્યો
Jump to navigation
Jump to search
૬. પહેલાં જેમ રહ્યો
ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો,
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો?
હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો?
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો.
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર,
જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો?
ઘણા વરસ પછી આવો સવાલ પૂછું છું,
કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો?
મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ,
મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો.
સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા?
જુઓ ‘મરીઝ’ને જેવો હતો એ એમ રહ્યો.
(આગમન, પૃ. ૧૩)