કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/પાંગરતી નથી હોતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. પાંગરતી નથી હોતી

બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી,
કે નકશાના સમંદરમાં કદી ભરતી નથી હોતી.

મહોબ્બતનો પુરાવો એ કે અનહદ હો તલબ એમાં,
જરૂરતથી વધુ ઇચ્છા હવસ કરતી નથી હોતી.

લલિત વસ્તુને સંગત જોઈએ કોમળ હવા જેવી,
પવનની પીઠ પર ખુશ્બો વિસ્તરતી નથી હોતી.

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.

તરતમાં જે મળે આઘાત, રાખે છે સમય પૂરતો,
મહોબ્બત કોઈ મનદુઃખ મનમાં સંઘરતી નથી હોતી.

દિશાઓનું કશું બંધન નથી એની પ્રતીક્ષામાં,
ફરે છે આંખ ચોગરદમ, નજર ફરતી નથી હોતી.

જગા દેતી નથી વસ્તી તો ત્યાં જઈને પડી રહીએ,
વિનયહીન આચરણ, વેરાની આચરતી નથી હોતી.

બીજા સંજોગનો રાખે ખયાલ, એ વાત જુદી છે,
મહોબ્બત ખુદના કારણસર કદી ડરતી નથી હોતી.

‘મરીઝ’ એ આખરે થાકી ગઈ મારી રઝળપાટે,
હવે મુજ સાથમાં તકદીર પણ ફરતી નથી હોતી.

(આગમન, પૃ. ૫૫)