કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મહોબ્બતનો ગમ રહે
Jump to navigation
Jump to search
૨૯. મહોબ્બતનો ગમ રહે
દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે,
ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે.
સંભવની વાત છે કે નભી જાય દોસ્તી,
ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે.
મારી બુરાઈઓમાં છે, મારી પવિત્રતા,
જુઠ્ઠાણાં સાથ જેમ ખુદાની કસમ રહે.
બન્નેમાં એક મજા છે ગતિ હો કે સ્થિરતા,
આગેકદમ ન થાય તો સાબિતકદમ રહે.
હું પણ તટસ્થ હોઉં તો વચ્ચે નહિ પડું,
કોની કૃપા રહે, જો તમારા સિતમ રહે.
મારી સતત અરજની છબી કોણ દોરશે,
રસ્તો નહિ ઘટે ને ગતિમય કદમ રહે.
મારી દુઆ કબૂલ થઈ, સો વખત થઈ,
કંઈ એવું કર કે એવો હંમેશાં ભરમ રહે.
મારા સિવાય કોણ છે જે મારો અંત હો,
તારા વિના છે કોણ જે તુજથી પ્રથમ રહે.
એના હુકમની વાત ભલા શું કરું ‘મરીઝ’,
જેની વિનંતી મારા જીવનનો નિયમ રહે.
(આગમન, પૃ. ૯૪)