કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/રાતભર જાગ્યા કરે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૭. રાતભર જાગ્યા કરે

તું ઇબાદતમાં ઓ ઝાહિદ! રાતભર જાગ્યા કરે,
એનું દિલ જોજે કશા કારણ વગર જાગ્યા કરે.

આ વિરહરાતે જરા મારી કોઈ તસવીર લે,
પાંપણો ઢળતી રહે, કિંતુ નજર જાગ્યા કરે.

લોકો સમજે એનું જીવન આખું ગફલતમાં ગયું,
કોઈ એવી રીતે તારા નામ પર જાગ્યા કરે.

પાણી છાંટી લોક ઉડાડે છે ન ખપતી ઊંઘને,
શું નવાઈ જે હો આંખ આંસુથી તર જાગ્યા કરે.

ઊંઘથી ચોંકી પડી એક વખત લઈએ તો બસ,
નામ લઈ એનું ભલા શું રાતભર જાગ્યા કરે!

તેં કરી તારી ફરજ પૂરી, ઓ પ્યારા ઇન્તિઝાર,
અમે હવે ઊંઘીએ કે કોઈ બેકદર જાગ્યા કરે.

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
(આગમન, પૃ. ૮૯)