કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/વહેવાર પણ ગયો
Jump to navigation
Jump to search
૪. વહેવાર પણ ગયો
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી જુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથ હૃદયભાર પણ ગયો.
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
(આગમન, પૃ. ૮)