કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૩. જનની
Jump to navigation
Jump to search
૪૩. જનની
સરજ્યાં સરજ્યાં રે પરથમ પરથમી,
રમતાં મેલ્યાં રે અંકાશ;
ધગધગ ધગતા રે લાવા ઠારિયા
બળતો ઠાર્યો રે અવકાશ...
વેળા સરજી ને સરજ્યાં રાતદિ’
સરજ્યા યુગો રે અનંત;
વળતાં સરજ્યા રે અણદીઠા વાયરા
સરજ્યાં ક્ષિતિજ ને દિગંત...
ૐકારે છવાયું અંતર મૌનનું
અનહદ ધ્વનિના તરંગ;
નાદ રે સરજ્યા ને લય વહેતો કર્યો
અનહદ બજ્યાં રે મૃદંગ...
જળમાં ને થળમાં જીવન રોપિયાં
પળપળ જીવના સંચાર
અંકુર ઊઘડ્યા ધરતીની કૂખમાં
ઊઘડ્યાં અલખનાં દુવાર...
સત્ય-શિવ ને સુંદરથી સોહતું
સરજ્યું નારીનું સ્વરૂપ,
નારી સરજીને સરજન સોંપિયાં
ઊઘડ્યાં રૂપ-અરૂપ.
(અંતરનું એકાંત, પૃ. ૨૧૦)