કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૮. દિવ્ય સર્જકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. દિવ્ય સર્જકો

મૂળ તો ભીનું ભીનું ખસે
          પાણી પવન અને મન જેવું
                   એ ધસમસ ના ધસે... મૂળ તોo

કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે
પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે,
          માટીના મૂંઝારા વેઠે, અંધારામાં વસે... મૂળ તોo

કણ કણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે?
કોમળ કહેવું કેમ, ઝૂઝતું ભીતર એ જે રીતે!
          ટોચ સુધી પહોંચાડે જીવન,
                   કયા શ્વાસ એ શ્વસે... મૂળ તોo

રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે
સૌંદર્યોનાં મૂળ રહસ્યો કદી બ્હાર ના આવે!
                    ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
                   મૂળ તો ધીમું ધીમું ખસે....


૧૨, ૧૩-૭-૧૨

(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)