કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૫૧. કરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. કરજ

બધું સંકેલું છું મન હૃદયમાં બાંધી ગઠરી
હવે વેળા ક્યાં છે! સફર બસ છેલ્લી શરૂ થશે...
બધાં સંભારું છું; સ્વજન સઘળાં જે સફરના
હતાં સાથી ને જે સમય સમયે આવી મળતાં
રહ્યાં, સાથે ચાલ્યાં ઘડીભર છતાં ધન્ય કરીને
ગયાં, યાત્રા મારી, જીવનભરની સાંભરણ થૈ.
મળ્યું કેવું કેવું અઢળક અહીં વ્હાલ સહુનું
અને સાથે સાથે સહજ બસ સંતાપ દઈને
જનારાંયે આવ્યાં જીવનભરનાં દર્દ થઈને!
ગયું શું? પામ્યા શું? ગણિત ગણવાનું ભૂલી ગયા!
જીવ્યા એવું જાણે, જીવન જીવવાનું ભૂલી ગયા!
બધું સંકેલું ત્યાં પગરવ ઊઠે છે ભીતરથી –
અરે, આવ્યું કોઈ કરજ લઈ બાકી જીવનનું.

૮-૭-૭૨

(અંતરનું એકાંત, પૃ. ૩૦૮)