કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૬. રાધા પત્ર લખે છે...
Jump to navigation
Jump to search
૬. રાધા પત્ર લખે છે
ગોકુળમાં કોક વાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવરધન જાવ ભલે,
જમુનાને કાંઠે ના આવશો.
તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ અહીં,
વિરહાનાં રાજ નહીં જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો!
પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ;
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયેઃ
લખિતંગ રાધાના ઝાઝા જુહાર...
શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો!
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૪૨)