કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/એક ફલશ્રુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. એક ફલશ્રુતિ

૧. અ-ભાવ
તમારા હોવાનો જ અભાવ
દીસે આ અંધકાર.
આ અંધકારમાં
ટક ટક આવે અવાજ જેમાં
અનુભવું હું પળપળમાં વીખરાતો
મારો સમય.
સમયને પહેલાંથી બાંધી ઊભેલા
ચોગમ જૂના અંધકારમાં
તરલ સભરતા પામું.
આવે મૌન ગગનનું નીચે.
સઘળે ખળ ખળ વહેતા
નીલ મૌનમાં
આછેરા લહેરાય
ઓસરી આભાના અણસાર.
ઓસરે આભાના અણસાર.
મૌનમાં ભળી જાય અંધાર.
આખરે ભૂતકાળ શું શાન્ત
બને છે ભવન.
બનેલા ભૂતકાળ શા શાન્ત ભવનમાં
લાખલાખ અણજાણ બિડાયાં દ્વાર.
પૂર્વની આછેરી ઓળખ જેની
તે દ્વાર ખૂલે,
અવકાશ રચે.
શો એ ગમનો અવકાશ!
હવા નિજ કોમળ કોમળ કંપિત
સ્વરમાં કહે —
‘નકારોનો જ અહીં વિસ્તાર.’
સદા જ્યાં પંથ ભૂલેલાં પંખી શોધે
છાયાને, નિજ છાયાનો
જો મળી જાય સથવાર.
આવતું ઉંબર સુધી કોઈ
ન જાને મારે દ્વારે છાયા એની
પડી હોય ત્યમ નીરખી લેતું,
પાછું ચાલ્યું જાય ક્ષિતિજની પાર.
પછી તો આરપાર છે સમય
સદા જે રહે અવાચક,
કરી શકે નિસ્સંગ સકળથી,
એકલતા આપીને
ધીરે ગજવે વીસર્યો રાગ.
આગિયા ઊડે ઊંડા અંધકારમાં,
ઝબકે, ઝબકે
રહી રહી ભંગુર સપનાંની પાંખો.
ઊડે દૂર દેખતાં દેખું
જાણેઃ વનરાવનમાં વિકલ રાધિકા
પર્ણકુટિરને દ્વારે ઝૂકી
મંદ દીપકની સહાયથી
શો અડાબીડ ઓથાર ખાળવા ચાહે!
મારો અડાબીડ ઓથાર!
તમારા હોવાનો જ
અભાવ
દીસે આ અંધકાર

૨. ઉપસ્થિતિ
આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.
પડછાયે પડછાયે ચાલ્યા
અમે આટલું,
ચહેરાને ઓળખવાનું તો દૂર...
અમે અમારા પડછાયાથી
વ્હેંચ્યા યુગને,
એક એક યુગમાં પણ નાના
અનેક યુગનો
એકમેકથી કરી શક્યા વિચ્છેદ.
અમારા એકમાત્ર રૂપની સાથેના
અમે ભોગવ્યા
જુગજુગથી વિચ્છેદ.
કદમ કદમ પર પથ્થર મૂક્યા,
ઠેર ઠેર ઘર-ગામ.
વગડે વગડે લખી દીધું જે
અમે અમારું નામ,
નામને ખાતર છોડ્યું
જન્મ સમયનું દર્દ.
દર્દ જે જુદાઈમાં યાદોમાં
આપે સાથ, વિસાર્યું.
અને આખરે
ખંડિયેરનું મૌન બની
એ જીવ્યું.
જીવ્યું જુગજુગ કેરી જુદાઈનું
એ દર્દ,
સમયના પડછાયામાં ઝબકે આછું,
રહી સૂર્યથી દૂર.
આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.
કેટકેટલા જન્મ મેળવ્યા
એક અખંડ સમયમાં!
સમય થકી જ્યાં છિન્ન થયાં કે
વસતા નાના ભવમાં
ભવભવનો જે સમય
ઉમેર્યો અમે સમયમાં.
અને ભવોભવ માગ્યો
જુદો સમય સમયથી.
કિન્તુ, જોયું સદા રહે છે
સમય સમયનો સમય
રૂપ અમારાં, શ્વાસ સમયનો.
અર્થ અમારા, શૂન્ય સમયનું.
નથી શૂન્યને ભાર અમારો.
ભાર અમારો અમને.
હા, જો સૂર્ય બનીને
અમે નિહાળ્યો હોત સમયને —
કૈંક હાથમાં આવે એવો સમય.
દીસે આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો. ૧૦૦

૩. પૂર્વાવસ્થા
પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન.
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી, ઓળખીને
અળગા થનારઃ
ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.
અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્વૈત.
દ્વૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિથી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાન પવનોનાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટીરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષઘાત...
અરે, જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ!
છતાં આજ લગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી!
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી. ૧૪૩

૪. નિયતિ?
અમે અમારી આગ આભને ચાંપી.
અંતરીક્ષની નિર્જનતાનો ભંગ કરીને,
યુગયુગનો અંધાર સામટો આણી,
એમાં આગ છુપાવી ઊડ્યા,
ઊડ્યા કાળપુરુષની સામે.
અમે હૃદયને નીચે મૂકી,
આગ આભને ચાંપી.
ને રે એ વિસ્ફોટ,
અરે જે સૌમ્ય તેજ
તેનો કેવો ચિત્કાર —
દુભવ્યાં નક્ષત્રોને,
સપ્તર્ષિને ઝાંખા પાડ્યા,
સાગરને આઘાત કર્યો,
એ રુદ્રઘોષ વડવાનલ થઈને છલક્યો,
ધ્રૂજી ધરતી, સંચિત અભિશાપ ફાટ્યો ને
ભડકે ભડકે સળગ્યા ચહેરા...
ધરતીની ઊંડી ખીણોમાં દર્દ સાચવ્યું
અયુત વર્ષનું, આવ્યું થઈ અંધાર,
અમારી આંખોનો અવકાશ પૂરવા.
ભીની માટીને ઉર જે નિત કૌતુક ઊગતું,
આજ બનીને અંકુર એ ના ફૂટ્યું.
તરણાંની ટોચે બેસીને
ઘેરો લીલો ભાવ ફરફરે સદાકાળ જે,
આજ ભયાતુર.
ચિત્તચિત્તમાં ફાટી ધરતી,
ફૂટ્યાં સપ્ત પતાળ...
વીજ શી ચીસ ચીરતી આભ.
ધ્રૂજતી આંખો, પાગલ હાથ...
પવન-ઝપાટે ઝૂલ્યાં અંગો
ડોલ્યાં ભીતર નીર...
તરતા ડૂબતા, ડૂબતા તરતા અમે
જ્યારથી આગ આભને ચાંપી. ૧૭૫

૫. વતન
આ ઇમારતી પડછાયાઓનો
ભાર ખેંચતો
ઘસડું છું હું મને પરાણે.
કદમ રગશિયાં ભરી ભરીને
ઘણું કરીને કોટ બ્હાર
નીકળી શકવાનો નથી.
હવે તો બચાવ કર્ણાવતી!
ત્યજીને ભૂતકાળને
આવ.
નગર આ મકાનનું છે,
માણસનું ના.
નાગરિક આંખોની
ઠંડી-હિમ કેદમાં
ઉછંગની શોધે નીકળેલા
ધ્રુવ પુરાયા.
ચરણ હોત ત્યાં
ચક્ર વહે છે.
પંથ હોત ત્યાં
નિષ્ઠુર આ પગથાર પડ્યા છે.
શબ્દ હોત ત્યાં
અવાજ છે.
આ અવાજનું ના ભાન કર્ણને.
સાર્વભૌમ છે અહીં
માત્ર ધૂસરતા.
આંખોમાં જ નહીં, આ નગર ઉપરના
ગગનમહીં વાદળને સ્થાને
ધૂસરતા છે.
પરાક્રમી યંત્રોની ઊંચી ચીમનીઓના
છોગેથી છલકાય ધૂસરતા.
દુણાઈ ચાલ્યું બીજ ધરાનું.
કાળપિછોડી ઓઢી લેવા
આતુર જાગે નગર,
તને તો બચાવ કર્ણાવતી! ૨૦૮

૬. ઋતઃ વેદના
ખપે હવે નિરાકાર પ્રેમ.
કમલપત્રની ધારે સરકીને
સમગ્રમાં શમી જતો ઝાકળનો પ્રેમ.
ઝાકળના એકેએક એકમમાં
ઝબકતો પ્રભાતના સૂરજનો પ્રેમ.
પ્રભાતમાં યમુનાનાં નીર ઝળહળે,
કદંબની ડાળ થકી વેણુરવ ઝરે.
વેણુરવ, ગોધૂલિ ને જનપદ.
જનપદ, પર્ણકુટી, ગુફા.
ગુફાઓ ગરમ અને ધરતી તો આગ.
પૃથિવી ના, સૂરજનો અવિચ્છિન્ન ખંડ.
છિન્ન થતો ખંડ જોઈ
નિકટની નિહારિકા
પ્રબળ ચિત્કાર કરી ઊઠી હશે.
જ્વાળાઓની વચ્ચેનો જે અંધકાર,
કંપી કંપી બળ્યો હશે.
અન્યથા આ આપણી ધરાના ઉરે
દગ્ધ અંધકાર ક્યાંથી હોય?
તેજ ને તિમિરની બે પરિસીમાઓમાં
બદ્ધ અસ્તિત્વને
વેદનાનું ઋત ક્યાંથી હોય?
મારા અસ્તિત્વને વેદનાનું ઋત!
સમયનાં શત-શત આવરણ ભેદી
મને વેદના જ લઈ જાય
ગૌતમના રાજપથે.
આપણા સહુના ચિર વિરહ ભીતરે.
સૌંદર્ય હૈ, વેદના હે પ્રેમ ૨૩૫
ફલશ્રુતિ
એકલતા મુક્તિ નથી,
રિક્તતા તો ક્ષણજીવી.
નામરૂપી છાયાથકી સીમિતને
અખિલાઈ આપો.
રહસ્યોનાં દ્યુતિમય વલયોમાં
વિસ્તરતા સૂર્યરૂપે મહાશૂન્ય આપો.
વિશ્વરૂપ-દર્શન તો થાય કે ન થાય,
મેં તો મારે શરણે જ સદા રહ્યા કર્યું.
વિદાય સ્વીકારો મારી, સમગ્રતા આપો.
જેમાં, ચાલી રહું તે પછી હું
લઘુતમ શૂન્યરૂપે મળી જાઉં.
સમયમાં ક્યાંક મારી પગલી
જો રહી જાય, ક્ષમા માગું.
વરદાન માગું – એને રોકશો ના.
નિરુપદ્રવી શા એક ચિર શાન્ત
શૂન્યરૂપે શમી જવા દેજો
પેલા સૂર્યની સાક્ષીએ.
સૂર્ય અને સમયના લીલાજન્ય
જગતમાં અંધકાર નિત્ય અભિનવ,
જીવનની પૂર્ણતાનું પરા બિન્દુ.
સૂર્ય અને મારી વચ્ચે
અંધકાર આવી જાય
ત્યારબાદ હુંય અંધકાર.
અંધકાર
તમારા જ હોવાનો અભાવ. ૨૬૦

નવેમ્બર ૧૯૬૪ (તમસા, પૃ. ૩૩-૪૧)
જાન્યુઆરી ૧૯૬૬
૭. કેફિયત
સાથે સાથે આવ્યા જેની
એ પથ અમને અહીં મૂકીને
આગળ ચાલ્યો.
અધવચ્ચે અટકેલા અમને
ઓળખશો ના,
અડધાપડધા ચાલ્યા જાશું સપનાંમાં
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં.
ને તોય બચ્યા તો
ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું
તમને.
અમને કેવળ માયા છે આ અકળ સકળની,
આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની.
નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં,
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે
હળી જવાની,
દૂર દૂરના અંધકારમાં ભળી જવાની.
હવે પછીના અજવાળામાં રહી જાય ના
કોઈ નિશાની;
અમને ગમશે
પૂરી થાય ત્યાં પૂરી થાય જે
એ જ કહાની.
૧૯૬૮

(તમસા, પૃ. ૪૪)