કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કવિ અને કવિતાઃ રઘુવીર ચૌધરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Raghuvir Chaudhari.jpg
કવિ અને કવિતાઃ રઘુવીર ચૌધરી

કાવ્યમાં પરમ તત્ત્વ અને સંતુલનનો સંબંધ સમજવા મથતા, ખાલીપો ખાળતા; સંવેદન, કલ્પના, નિરીક્ષણ, જીવન, સૌંદર્યનો મહિમા કરતા કવિ રઘુવીર ચૌધરીનો જન્મ તા. ૫-૧૨-૧૯૩૮(માગશર સુદ તેરસની વહેલી સવારે)ના રોજ બાપુપુરા(તા. માણસા, જિ. ગાંધીનગર-અગાઉ મહેસાણા)માં થયો હતો. માતા જીતીબહેન. (‘માને તો માયા એ જ મોક્ષ.’) પિતા દલસિંહભાઈ ભક્તહૃદય. માતા-પિતાની અસાધારણ સ્મૃતિનો વારસો રઘુવીર ચૌધરીને સાંપડ્યો છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૫૨માં વર્નાક્યુલર ફાઇનલ અને ૧૯૫૬માં મૅટ્રિક. બંને પરીક્ષાઓમાં તેઓ કેન્દ્રમાં પ્રથમ. ૧૦૬૦માં હિન્દી, સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાંથી બી.એ.; ૧૯૬૨માં એમ.એ.; ૧૯૭૯માં હિન્દી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. ૧૯૬૨થી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન; ત્યારબાદ બી. ડી. આર્ટ્‌સ કૉલેજ, એચ. કે. આર્ટ્‌સ કૉલેજમાં અધ્યાપન; ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિન્દીના અધ્યાપક; ૧૯૯૮માં અધ્યક્ષ તરીકે નિવૃત્ત. અધ્યાપન સાથે બાપુપુરામાં ખેતીકામમાંય ધ્યાન આપ્યું. રજાના દિવસોમાં બાપુપુરાના ખેતરમાં શ્રમ. યુનિવર્સિટી તથા રાજ્યના સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વાંચન-લેખન શિબિરોનું સંચાલન. દર્શક ફાઉન્ડેશન દ્વારા લેખન-શિબિરોનું આયોજન. ગુજરાતી સાહિત્ય પરિષદનું જતન – મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી તરીકે કાર્ય. ગુજરાત સાહિત્ય અકાદेમી, સાહિત્ય અકાદेમી, દિલ્હી તથા પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના સભ્ય તરીકે કામગીરી. ૧૯૬૫માં કુમાર ચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૭માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૯૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદेમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૩માં સાહિત્ય અકાદેમી, દિલ્હીની ફેલોશિપ, ૨૦૧૫માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, ૨૦૨૪માં પદ્મશ્રીથી સન્માનિત. રઘુવીર ચૌધરી પાસેથી ‘તમસા’ (૧૯૬૭), ‘વહેતા વૃક્ષ પવનમાં’ (૧૯૮૪), ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭), ‘પાદરનાં પંખી’ (૨૦૦૭), ‘બચાવનામું’ (૨૦૧૧), ‘ધરાધામ’ (૨૦૧૪), ‘કુદરતની હથેળી પર’ (૨૦૨૧), કાવ્યસંગ્રહો મળ્યાં છે. ‘દિવાળીથી દેવદિવાળી’ (૧૯૮૬) બાળકાવ્યસંગ્રહ પણ એમની પાસેથી મળ્યો છે.

પિતાજી તથા ગામની ભજન-મંડળી પાસેથી રઘુવીર ચૌધરીને સાહિત્યનો તથા લય-તાલનો વારસો મળ્યો. પિતાજી ગામની ભજન-મંડળીના પ્રમુખ. નરઘાં વગાડતા. મનમાં ગરબી રચતા, ગાતા, ગવડાવતા. ગરબી ગવાતી હોય ત્યારે નાનકડા રઘુવીર ઊઠીને વચ્ચે નાચતા. આમ લય-તાલ સાથે ભજન-કાવ્યો એમની ચેતનામાં રોપાયાં. ભજનમંડળી થકી એમની ચેતનામાં નરસિંહ-મીરાં-દયારામનાં કાવ્યોની આબોહવા રચાતી ગઈ. માણસાની શાળામાં એમને શિક્ષક તરીકે ભોળાભાઈ પટેલ મળ્યા ને તેમને ઉમાશંકર-સુન્દરમ્-શ્રીધરાણી-પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત આદિનાં કાવ્યોનો ગાઢ પરિચય થયો. ‘સર્જકની આંતરકથા’(સં. ઉમાશંકર જોશી)માં એમણે નોંધ્યું છેઃ ‘અગાઉ ભજન-મંડળીએ નરસિંહ-મીરાં-દયારામના એક કાવ્યવિશ્વમાં ઉછેર્યો હતો, હજી એ જાણે કે રગમાં હતું. હવે ઊઘડવા લાગેલું કાવ્યવિશ્વ સાવ અજાણ્યું હતું. તેથી પડકારરૂપ હતું. બધા છંદો જીભને ટેરવે. કંઈ કેટલાય શ્લોક યાદ. મૅટ્રિક પૂર્વે સારું ગુજરાતી સાહિત્ય વાંચેલું. વિસનગર કૉલેજમાં જી. એન. ડિકેએ સંસ્કૃત અને અમદાવાદમાં રામદરશ મિશ્રે હિન્દી સાહિત્યનો આસ્વાદ કરાવ્યો.’ સાતમા દાયકાના પૂર્વાર્ધમાં તેઓ નિયમિત ‘બુધસભા’માં જતા. ત્યાં છંદ તેમજ કાવ્ય બાબતે એમના કવિકાન વધારે કેળવાયા. ચૌદ-પંદરની ઉંમરે એમને સ્ફુરેલી એક કાવ્યપંક્તિ બચુભાઈએ ‘કુમાર’ના પાછલા પૃષ્ઠમાં સુભાષિત તરીકે છાપેલી.

‘ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.’

અખિલાઈ પ્રત્યેની આસ્તિકતા એમના સ્વ-ભાવમાં છે. ‘બુધસભા’માં એમને ઘણા કવિમિત્રો મળ્યા. ગૂજરાત વિદ્યાપીઠના સ્ટાફ-ક્વાર્ટરમાં થોડો સમય તેઓ રહેલા ત્યારે કવિમિત્ર ચંદ્રકાન્ત શેઠ એમના પડોશી. (પછીથી પૂર્ણેશ્વર ફ્લેટમાં પણ) આમ બંને મિત્રો એકમેકને તાજાં કાવ્યો બતાવતા. બંને મિત્રો ‘બુધસભા’માં જતા. આમ બંને કવિઓની કાવ્યયાત્રાને વેગ મળ્યો. પછીથી રઘુવીર ચૌધરીએ ગદ્યમાં અઢળક, મબલક કામ કર્યું. આમ છતાં એમની કાવ્યયાત્રા પણ નદીની જેમ વહેતી રહી ને એમની પાસેથી સાતેક કાવ્યસંગ્રહો મળ્યા.

રઘુવીર ચૌધરીની કવિતા વિશે વાત કરતાં તરત કેટલાંક કાવ્યો સ્મરણમાં ઊભરાય છે – ‘રાજસ્થાન’, ‘કેફિયત’, ‘આ એક નદી’, ‘એક ફલશ્રુતિ’, ‘દર્દ’, ‘એકલતા’, ‘મને કેમ ના વાર્યો?’, ‘વહેતાં વૃક્ષ પવનમાં’, ‘તું વરસે છે ત્યારે’, ‘ફૂટપાથ અને શેઢો’, ‘માને તો માયા એ જ મોક્ષ’, ‘પાદરનાં પંખી’, ‘કામાખ્યાદર્શન’, ‘અમે આટલે આવ્યાં’, ‘ઝાડ’, ‘જમીન’, ‘આપલે’, ‘ધરાધામ’, ‘ખેતરમાં વેપારી’, દીર્ઘકાવ્ય ‘બચાવનામું’ વગેરે. ખેતર ખેડાય, બીજ રોપાય, એમાંથી છોડ થાય, છોડમાંથી વૃક્ષ; વૃક્ષને ફૂલ ફૂટે ને પછી આવે ફળ – એટલી ધીરજ છે આ કવિમાં. કવિની કસોટી ઊર્મિકાવ્યમાં નહિ, દીર્ઘકાવ્ય-પ્રબંધકાવ્યમાં થાય છે અને એમાંય છંદોબદ્ધ દીર્ઘકાવ્યમાં તો કવિનાં બરોબરનાં પારખાં. (ભગતસાહેબ કહેતા ગુજરાતીમાં મહાકાવ્ય શક્ય નથી બન્યું એનું કારણ છંદો ઊણા ઊતરે છે.) દીર્ઘકાવ્ય ‘બચાવનામું’નું બીજ આ કવિમાં રોપાયું એ પછી ત્રણેક દાયકા થયા એ બીજમાંથી વટવૃક્ષ થતાં! ૧૯૮૪માં પ્રગટ થયેલ ‘સર્જકની આંતરકથા’(સંપાદકઃ ઉમાશંકર જોશી)માં પ્રગટ થયેલ કેફિયત-લેખમાં રઘુવીર ચૌધરીએ નોંધ્યું છેઃ ‘ચાર-પાંચ વર્ષથી એક દીર્ઘકાવ્ય લઈ બેઠો છું. પૂરું થતું નથી. વચ્ચે મોટા મોટા વિરામ પડે છે. જીવનના નકારાત્મક અંશને – ઉધાર પાસાને વ્યક્ત કરતી ‘આધુનિકતા’નો મહિમા હોય ત્યારે ખાલીપો ખાળતી સુન્દરતાની વાતો કરવી એ ધૃષ્ટતા જ કહેવાય ને! તેથી કાવ્યનું નામ રાખ્યું છે ‘બચાવનામું’. આજે મૂલ્યોની વાત કરનાર આરોપીના પીંજરામાં મુકાયો છે. આ કાવ્યમાં પરમ તત્ત્વ અને સંતુલનનો સંબંધ પણ સમજવો છે.’

(‘સર્જકની આંતરકથા’, પુનઃમુદ્રણ, ૨૦૧૧, પૃ. ૭૧)

‘બચાવનામું’ના નિવેદન – ‘ઋતંભરા’માં પણ કવિએ નોંધ્યું છેઃ ‘આ રચના ત્રણેક દાયકાથી મારી કસોટી કરતી રહી છે.’ આ કવિ જાણે છેઃ ‘સંવેદન તો સેતુ છે.’ પણ ચિંતન એમના સ્વ-ભાવમાં છે. જાતને અને જગતને તેઓ ઝીણી નજરે જુએ છે અને એમના સર્જક ચિત્તમાં ચિંતન, દર્શન સહજ સ્ફુરે છે. ‘બચાવનામું’ એમણે ત્રણેક દાયકા સેવ્યું! દરમિયાન એમની કવિતાની અને જીવનની સમજણ સતત વિકસતી રહી, મિથ-સંસ્કૃતિસંદર્ભો- સાંપ્રત પ્રશ્નો કવિ-મનમાં ઘૂંટાતા રહ્યા, નવા અર્થ પમાતા રહ્યા; દરમ્યાન નવલકથા-વાર્તામાંય મહત્ત્વનું કામ થતું રહ્યું. આથી દીર્ઘકાવ્ય ‘બચાવનામું’ માટે પાત્રો રચવાં; કથાતત્ત્વ, પાત્રો દ્વારા કથન અને કથ્યનું સંયોજન કરવું; રાજ્યસત્તા, વાણિજ્ય અને કૃષિનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રોનું નિજી વ્યક્તિત્વ પ્રત્યક્ષ કરાવવું એ આ નવલકથાકાર-કવિ માટે, નવલકથાલેખનના અનુભવના કારણે અઘરું નહોતું. કવિએ ‘નિવેદન’માં નોંધ્યું છે તેમ, ‘પહેલાં અછાંદસ પ્રવાહ વહેતો રહ્યો,’ પછી આ કાવ્ય એમણે છંદમાં (અનુષ્ટુપ તથા વિવિધ છંદો) ઢાળ્યું, લેખન-પુનર્લેખન થતું રહ્યું. આ કવિ બચુભાઈની ‘બુધસભા’માં ઘડાયા છે, આથી એમનાં કાવ્યોમાં છંદો સહજ વહે છે. આથી આ દીર્ઘકાવ્ય અછાંદસમાં વહ્યું એ પછી એને છંદોમાં ઢાળવું આ કવિ માટે અઘરું નહોતું. આ કવિ ખેતરમાં શ્રમ કરનારા છે, આથી લેખન-પુનર્લેખનથી થાકતા-કંટાળતા નથી. નિવેદન-‘ઋતંભરા’માં કવિએ નોંધ્યું છેઃ ‘મનુષ્ય મનુષ્ય વચ્ચેનો વિધાયક સંબંધ પરમ તત્ત્વને આભારી છે, મનુષ્ય અને જીવસૃષ્ટિ બલ્કે સમગ્ર બ્રહ્માંડ વચ્ચેનો વ્યક્ત-અવ્યક્ત સંવાદ એ પણ પરમ તત્ત્વનું સ્વરૂપ છે. મારે મન આ મૂલ્ય છે. એનો બચાવ કરવો એ શબ્દસેવીનું કર્તવ્ય છે.’ વ્યાસની જેમ આ કવિ પણ સકલનો સમાસ કરવા મથે છે ને ઝંખે છે કે એમાં ભળે રામનું સત્ય, કૃષ્ણનો પ્રેમ, શિવનો વૈરાગ્ય, બુદ્ધનાં નયનની કરુણા ને અલખના શબદ –

‘વિતથભર્યો વંટોળ વિશ્વમાં ઝળૂંબવાનો,
દીવો થાય ના રાણો, શબદ ધરું હું આડો.’

દીવો રાણો ના થાય એ માટે આડો ‘શબદ’ ધરીને આ કવિ કવિકર્મની સાથે કવિનો સ્વ-ધર્મ પણ નિભાવે છે. ઇકૉલૉજી – જીવસૃષ્ટિના સંતુલન બાબતેય કવિ ચિંતા કરે છે. સમગ્ર સૃષ્ટિના ચાહક અને સંરક્ષક એવા ખેડૂતપુત્ર સોમના પાત્ર થકી કવિનાં સંવેદનો તથા ચિંતન રજૂ થાય છે. ‘વડવા’(સર્ગઃ૨)માંથી આ પંક્તિઓ જોઈએઃ

‘વડવા મારા ખેતર થઈને જીવતા.
છોડ નીંઘલે
અને કણસલે દાણેદાણા દૂધ ભરાતાં
– છોડ નર્યો રોમાંચ –
પવન ત્યાં ચણવા આવે,
પોરો ખાતો ધજા ધર્મની ફરકાવીને
જતો ગામ પરગામ...’
*
‘એ વડવા મારા
ગામ, સીમ, વન ગાઢ, સરોવર સાચવતા.
સહુની સંગાથે
સમરસ ભાવે જીવતા.’
*
‘મુક્તિ હોય ના સ્નેહવિહોણી!’

‘ઋતંભરા’ (સર્ગઃ૯)માંથી આ પંક્તિઓ સાંભળીએઃ

‘નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી,
સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.’
*
‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.’

મૂલ્યની હાર અને બળની જીત એ આજની પણ વૈશ્વિક સમસ્યા છે, પણ શ્રી અરવિંદે કહ્યું છે તેમ, દુરિત સાથે સત્યનો, મૂલ્યનો સંઘર્ષ ચાલવાનો; દુરિતનું બળ વધારે હોવાનું, પણ અંતે વિજય સત્યનો, મૂલ્યનો થવાનો. આ કવિ ઉત્તર સાથે આ કાવ્ય પૂરું નથી કરતા, (જો એમની પાસે ઉત્તર હોત તો આ કાવ્ય રચવાની અનિવાર્યતાય કદાચ ન હોત.) કવિ પ્રશ્ન સાથે આ કાવ્ય પૂરું કરે છે – ‘શ્રદ્ધાનું તેજ જાગશે?’ ભાવકચિત્તમાંય આ પ્રશ્નનાં વલયો વિસ્તર્યા કરે છે. આ ઉપરાંત નિવેદન – ‘ઋતંભરા’માં આ કવિ ગૂઢ પ્રશ્ન કરે છે – ‘ગીતાએ અનાસક્તિ પર ભાર મૂક્યો છે એટલો અહિંસા પર મૂક્યો છે ખરો?’ રઘુવીર ચૌધરીએ સર્જનકાર્ય શરૂ કર્યું ત્યારે સુરેશ જોષી તથા આધુનિકતાની બોલબાલા હતી. નિરાશા-હતાશા-શૂન્યતા-ઈશ્વરનો છેદ વગેરે વગેરે ઘોંઘાટ વચ્ચે, રઘુવીર ચૌધરીની પ્રકૃતિ પ્રત્યેની, મનુષ્ય પ્રત્યેની તથા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા સતત ટમટમતી રહી હતી, બલ્કે શ્રદ્ધાનું તેજ વધતું રહ્યું. ભલે તેઓ નગરમાં રહ્યા, પણ સતત ગ્રામ-ચેતનાની નોળવેલ સૂંઘતા રહ્યા; ખેતર સાથે, પ્રકૃતિ સાથે, સમગ્ર જીવસૃષ્ટિ સાથે તેઓ સમરસ ભાવે જીવવા મથતા રહ્યા છે. (યાદ આવે છે – વલ્લભવિદ્યાનગરમાં પરિષદના અધિવેશન કે જ્ઞાનસત્ર વખતે અમે બે-ચાર મિત્રો પરોઢિયે રઘુવીરભાઈ સાથે ખેતરમાં ચાલવા નીકળ્યા, રઘુવીરભાઈના છેક પગ પાસેથી એક ઝેરી નાગ પસાર થઈ ગયો, અમને ફાળ પડી, પણ એમના ચિત્તમાં થડકો સુધ્ધાં ન થયો! ‘નાગબાપા’ વિશેનું ‘કુદરતની હથેલી’માંનું કાવ્ય ‘પૂર્વજ’ વાંચતાંય વલ્લભવિદ્યાનગરનો ખેતરમાંનો એ નાગ યાદ આવેલો.) નામવરસિંહે રઘુવીર ચૌધરીને કપાસ સાથે સરખાવ્યા છે. એમના ચિત્તમાં અંકિત થયેલી એક તસવીરઃ ‘માણસામાં આવેલું પોતાનું જ પ્રેસ! અંદર કમ્પ્યૂટર અને કપાસ વચ્ચે બિરાજ્યા છે ડૉ. રઘુવીર ચૌધરી, કપાસકેશી, પ્રૂફ વાંચે છે.’ રઘુવીર એમને ફૂલછોડ ને વૃક્ષવેલનો પરિચય કરાવે છે. એની વાત કરતાં નામવરસિંહે નોંધ્યું છેઃ ‘વૃક્ષો તો બીજાંય હતાં પણ વધુ મોહક અને પ્રભાવક હતો રઘુવીરભાઈ દ્વારા અપાતો એમનો પરિચય. જાણે એ કેવળ વૃક્ષો જ નહીં, પણ એમના પરિવારના અભિન્ન અંશ ન હોય!’ ઘર-ખેતર સાથેના રઘુવીરભાઈના સંબંધ વિશે પણ નામવરસિંહે નોંધ્યું છેઃ ‘મારા ગામથી તો મારે ક્યારનુંય છેટું પડી ગયું છે પણ હું એ વાતે રાજી છું કે અમારામાંથી કોઈક તો છે જેણે હજી ઘરખેતર સાથે નાભિચ્છેદ થવા દીધો નથી. ભૂમિ – જન્મભૂમિ સાથેનો આ નાભિસંબંધ જ રઘુવીરભાઈની સર્જકતાનો મેરુદંડ છે.’ આથી જ તો એમની કવિતામાં ખેતર વારે વારે પ્રગટી ઊઠે છે ને ખેતર સાથે ઊડી આવે છે પાદરનાં પંખી, કુદરતની હથેળી અને ધરાધામ. હા, નગરચેતનાનીય બાદબાકી નથી, એમનાં કાવ્યોમાં શેઢા સાથે ફૂટપાથ પણ પ્રગટે છે, પણ એમનાં કાવ્યોમાં પ્રગટતું નગર ભગતસાહેબનાં કે ગુલામમોહમ્મદ શેખનાં કાવ્યોમાં પ્રગટ થતા નગર કરતાં સાવ અલગ છે, નગર પણ ખેડૂતની નજરે જોવાયું છે ને ગ્રામચેતનાની જેમ જ નગરનોય એમની કવિતામાં સમાસ થયો છે. આ કવિ ખેતરને, ગામને, નગરને, જીવનને અને સમગ્ર જગતને સૌંદર્યની નજરે, વિધાયક દૃષ્ટિથી જુએ છે – ચંદ્રકાન્ત શેઠે ‘ફૂટપાથ અને શેઢો’ની પ્રસ્તાવનામાં યથાર્થ નોંધ્યું છેઃ ‘રઘુવીરના જીવનની ગતિ શેઢાથી ફૂટપાથ તરફ અને એમના કવનની ગતિ ફૂટપાથથી શેઢા તરફની. આજની ભૂમિકામાં રઘુવીર બેમાંથી એકેયને છોડી શકે એમ નથી.’ ‘ફૂટપાથ અને શેઢો’ પ્રગટ થયું ૧૯૯૭માં અને ‘બચાવનામું’ ૨૦૧૧માં. છતાં કવિ-વિવેચક ચંદ્રકાન્ત શેઠે ‘ફૂટપાથ અને શેઢો’માં ‘એક રસપ્રદ યાત્રાઃ સ્નેહથી સમજ સુધીની’ શીર્ષક અંતર્ગત લખેલી પ્રસ્તાવનામાં અંતે કરેલી આ નોંધ ‘બચાવનામું’ સાથેય વધુ સુસંગત નીવડે છેઃ ‘રઘુવીરના વ્યક્તિત્વની તેમ એમની કવિતાની એક આગવી મુદ્રા છે. માનવજીવન ને માનવસંસ્કૃતિ જે મૂલ્યોથી ટકી-વિકસી છે તેનાં જતન-જાળવણીમાં, તેનાં પ્રસાર-પોષણમાં પોતાના માનવધર્મની જ નહીં, કવિધર્મ ને કવિકર્મનીયે સાર્થકતા પ્રીછનારા આ વાગ્વીર છે.’ નવલકથા-લેખનનો અનુભવ કાવ્ય-લેખનમાં ઉપકારક પણ નીવડે ને શક્ય છે કે કાવ્ય-ઘાટને હાનિ પણ પહોંચાડે. પણ આ કવિ નવલકથાના ગદ્ય તથા કાવ્ય-બાની બાબતે સજાગ છે. એમણે નોંધ્યું છેઃ ‘કાવ્યભાષા અને નવલકથાની ભાષા વચ્ચે હું મોટો ભેદ જોઉં છું.’ વળી કાવ્યને ઘાટ આપવા એમણે છંદોને ખપમાં લીધા છે, સર્વત્ર વિખરાયેલી પડેલી સારપને સંકલિત કરીને તેઓ ‘ધરાધામ’નું સર્જન કરી શકે છે. કારણ આ કવિ જગતનાં તમામ રૂપો સમક્ષ ખુલ્લા છે, કોઈ વાદ કે વાડામાં બંધાઈ જતા નથી, પણ અખિલાઈ પ્રત્યે આસ્તિક છે. વિવેચકોને બોલકાં લાગે તેવાં કોમી રમખાણો વિશેનાં કાવ્યો પણ આ કવિ પાસેથી મળ્યાં છે. પણ કવિએ નોંધ્યું છે તેમ, આ કાવ્યો થકી ‘કહેવાનું એટલું જ છેઃ ધર્મોનો ધર્મ માનવી, માનવનો ધર્મ પ્રેમ.’ ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભો સાથેનાં સ્થળ-વિષયક કાવ્યો પણ એમની પાસેથી મળ્યાં છે. કવિના મુખે ‘રાજસ્થાન’નું પઠન સાંભળવાનો લ્હાવો અનેક વાર મળ્યો છે, આવી એમની રચનાઓ મારી ભાવકચેતનામાં પ્ર-સરતી રહી છે ને ભાવક-ચેતનાને પોષણ આપતી રહી છે. એની પંક્તિઓ નીરખીએ, સાંભળીએઃ

‘ઊંટનાં સ્તબ્ધ રૂંવાં-શું ઘાસ,
ઘાસ પર વરસી આવે રેત,
રેતનો રંગ ઊંટની પીઠ ઉપર,
ને આંખોમાં પણ ફરકે એવો.’
*
‘મારા ગામે ભાગોળે બેઠેલા
ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે,
પૂજાપાનો થાળ ગ્રહીને જતી કન્યકા કાજે આજે
ઊંટ તણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન.
હવે તો આંખ મહીં એ ટકે એટલું સાચું.’

ભાવક-ચેતનામાં વિસ્તરે તેવી થોડી પંક્તિઓ ટાંકું –

‘ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી.’
*
‘કો’ક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા,’
*
‘ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.’
*
‘આંખ કેડી પાડે છે આકાશમાં’
*
‘હું તો ક્યારા વાળું
ને ડાળ છાંયો ધરે.’
*
‘આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.’
*
‘મારી ક્ષણો માળો શોધે છે,
પણ ક્ષિતિજ પર કશું નથી.’
*
‘મને કાંટાઓનો બાધ નથી,
સંસાર જેટલો જ ગમે છે બાવળ.’
*
‘માને તો માયા એ જ મોક્ષ.’
*
‘ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું.’
*
‘જમીન તો
જોઈએ એટલું જ પાણી લે છે.
ઉપરનું આપી દે છે કુદરતને.’
*
‘ઝાડ જગા કરી લે છે
ઊગે એવું.’
*
‘મારી ભીતર જાગેલા પંખીના ધ્યાને
નીલ ગગનમાં દ્વાર ઊઘડે,
ધરાધામ અજવાળે.’

ઇકૉલૉજીના સંતુલનના વિરલ કાવ્ય ‘આપલે’ની પંક્તિઓ જોઈએઃ

‘મૂળ પોતાને માટે ક્યાં પીએ છે?
એ તો પાણીદાર બનાવે છે
રોપાની દાંડીને,
ડાંડી ડાળખીને,
ડાળખી પાંદડાને
પાંદડું ફૂલને
ફૂલ ધરે છે દાણો પ્રકાશને.’

આગામી પંક્તિમાં કવિ પોતાનો પરિચય આમ આપે છેઃ

‘હું ખેડુ જોતરું જાત,
સેવું ધરતી-આભને.’

ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ એમનાં કાવ્યોમાં કેવો પ્રગટ થાય છે?!

‘હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,
ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે.
હું જન મન ગણ વચ્ચે વધતા
અંતર સાથે વિસ્તરતો.’
*
‘હું જ મારાં પ્રતિરૂપ છૂંદી રહું.’
*
‘હું તો અહીં સૈક્તસંગ ઊછરતો નગરજન
પારકી ગતિએ હરીફરીને
પાડી બેઠો ભાષામાં જ જીવવાની પ્રથા.’
*
‘હું મારા અન્યને શોધું છું.’
*
‘હું પૃથ્વીનો અંકુર મુગ્ધ, ઊંચાં
આકાશતત્ત્વો નીરખી પ્રફુલ્લ!’
*
‘હું તો એકલપંડો
જાત સાથે વાત વળનારો.’

ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ ધીમે ધીમે ખેતરમાં, માટીમાં, ધરતી-આભમાં ભળતો જતો પમાય છે. કવિતાનાં બધાં સ્વરૂપોમાં આ કવિએ કામ કર્યું છે, મુશાયરામાં ગઝલ રજૂ કરતા રઘુવીર ચૌધરીને સાંભળવાનો લ્હાવો મળ્યો છે, ઉઘરાવ્યા વગર એમને સ્વયંભૂ દાદ મળતીય જોઈ છે, તો, એકાદ-બે શેર સાંભળીએઃ

‘આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે.’
*
મેં મિત્રોને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.’

આ કવિ દર્પણમાં જુએ છે તો એ શું ભાળે છે? વિસ્મિત કરી દેતી આ ૩D ઇમેજ જુઓઃ

‘દર્પણમાં
મારા ચહેરાની પાછળ
હજીય વહેતી
આ એક નદી
નામે સાબરમતી.’

આ કવિમાં સંવેદનો કેવી તીવ્રતાથી પ્રગટ થાય છે એનું એક ઉદાહરણઃ

‘ચિતાની ટાઢી વાળવા ગયો
ત્યારે સૂર્યોદય થવામાં હતો.
માનાં ફૂલ જાણે મને ઓળખતાં હોય
એમ દૂધિયલ આંસુ-શાં ચમકી ઊઠ્યાં.’

સૃષ્ટિમાંથી સારપને સંકલિત કરનાર, નીરવતાને સઢથી ફરકતી જોઈ શકનાર, છીપમાં બેઠેલી સુંદરતાનો ઝુરાપો સંવેદી શકનાર, અખિલાઈ પ્રત્યે આસ્તિક એવા આ કવિને વંદન કરીને વિરમું.

૨૮-૫-’૨૩
અમદાવાદ
– યોગેશ જોષી