કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ગ્રામચિત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૩. ગ્રામચિત્રો

ગામમાં લઈ જતી સીમ ગમતી વધુ,
પંખી ઊડે તહીં ડાળ નમતી વધુ,
બે ઘડી થાય રળિયાત આ જોઈને
બાળકી બે મળી જાય, રમતી વધુ.

પર્ણ ને પુષ્પ શાં પંખીઓ જાગતાં,
તારકો આભમાં કૈંક ઊંચે જતા,
ઓસકણ પંખીની આંખ શા તગતગે
પવન પાછો ફરી કૂંપળોને મળે.

સીમને સાહ્યબી વનઘટા વીજની,
મયૂર નર્તે નિહાળી કળા નિજની.
આજ ભથવારીના ચરણમાં ઝાંઝરી
ખેતરે રંગરેખા નવા બીજની.

વાત કરતા ઊભા ખેડુઓ બે ઘડી,
કાન દઈ સાંભળે બળદની બેલડી,
ચાર લીલી લઈ આવતી નવવધૂ,
વાગતી પવનથી ગાયની ઘંટડી.

પિયર પાછળ મૂકી કન્યકા જાય છે,
સહિયરો આંખ લૂછે અને ગાય છે.
ફરકતી થાય જલમધ્ય શિવની ધજા,
મા ઊભી ઉંબરે ચરણ અચકાય છે.

શાન્ત મધરાતનાં ભજન ઘેરાં હશે,
વિરહની વેદના દીપજ્યોતિ થશે.
દિન થતાં ભરથરી શેરીએ આવશે
જુગજૂનાં ગીતમાં દર્દ રેલાવશે.
૨૦૦૬

(પાદરનાં પંખી, ૯૫-૯૬)