કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/માને તો માયા એ જ મોક્ષ
માએ જન્મ આપ્યો.
મેં શું આપ્યું માને?
અગ્નિદાહ.
ધવડાવી-ખવડાવી
મોટી ફલાંગો ભરવાનું
પોષણ આપ્યું માએ.
વાટખર્ચીમાં ખૂટે નહીં
એટલો સ્નેહ આપ્યો.
મેં શું આપ્યું માને?
આ સદીનાં શહેરોએ
વિખૂટાં પાડી દીધાં સંતાનોને માવતરથી.
માનાં ધૂળિયાં મૂળિયાંને
શહેરની સડક ક્યાંથી સદે?
ને આપણા માટે તો
અન્ય બંધનોની જેમ સમ્બન્ધ પણ
એક સાપ્તાહિક સવાર.
માને મળાય ન મળાય
ને દૂર નીકળી જવાય માળાથી,
વિસામા વિનાની વાટે...
મારાં બધાં ભ્રમણ આજે
માના અંગૂઠા કને એકાગ્ર,
જે અગ્નિએ મા અન્નપૂર્ણા હતાં
એણે જ ચિતા પેટાવી છે.
ઊઘડતું જાય છે એનું બહિરંતર રૂપ.
સર્વાધિક પ્રિયનું સમર્પણ એટલે યજ્ઞ.
માની ચિતા એક યજ્ઞ છે પુત્ર માટે...
પિતાજી નેવુંમા વર્ષે
ધનતેરશની વહેલી સવારે પોઢી ગયા.
ધીરે ધીરે પ્રાણમય કોષ સંકોરતા.
મા ત્યારે બ્યાશીનાં હતાં, કંચનવર્ણાં,
સતત કામગરાં...
પિતાજીની વિદાય વખતે ભાગોળના કૂવે
બલ્લૈયાં ફોડી કલ્પાંત કરી મૂક્યું...
પછી વિખેરાઈ ગયાં પોણા ત્રણ વર્ષમાં.
ઘેર જાઉં એટલી વાર પૂછેઃ
‘ભાઈ, મોત ક્યારે આવશે?’
હસીને કહેવાનુંઃ ‘હજી થોડી વાર છે.’
આ વખતે જોતાં જ થયું
દેવળ જૂનું થયું કે શું?
ધારી સેવા ન થયાની પીડા
આંખોથી ટપકતી રહી,
એમાન દીધાંઃ દાનપુણ્ય કરીશું મા!
આંખો બિડાઈ, તરી આવ્યાં છેલ્લાં આંસુ.
આંસુ વિનાની એકેય વિદાય
મા પાસેથી મળી નથી,
એમણે વિદાય માગી એ જ આંસુના હકથી,
દિવાસાની સાંજે
પક્ષીઓ માળામાં ફરે એ પળે...
વાદળ બહાર સૂરજની કિનારી તગે
એમ સહુની આંખોની કોર ચમકે...
પંચ્યાશી વર્ષનો નાતો
આખા ઉપરવાસનો...
પિતાજી મંદિર ગયા હોય
ને મા ઘરને ઓટલે બેઠાં
એકેએક વટેમારગુની ભાળ લેતાં રહે.
કોની મજાલ કે મળ્યા વિના જાય?
વચ્ચેના દિવસોનું સરવૈયું રજૂ થાય,
અહીંથી શીખના બે શબ્દ સંભળાય.
‘મા, તમે બહુ બોલો છો!’
– હસીને કહીએ તો ધીમેથી જવાબ મળે —
‘બોલું નહીં તો મારો દાડો શેને જાય?’
સાચી વાત એ હતી કે
માનાં આંખકાન સાબદાં હતાં.
બોલવા કરતાંય એ વધુ સાંભળતાં,
સમજતાં, કહેતાં, એક વાક્યની ગીતાઈઃ
‘કોઈથી કજિયો ન કરીએ કે છેતરાઈએ નઈ ભઈ.’
મા નાતની આખી સત્યાવીને ઓળખતાં.
ગામ સત્યાવીનાં ચોપન થયાં
ને છેલ્લી પચીસીમાં એ પરગામ ગયાં નહીં,
તોય આખો ઇલાકો આંખ સામે હૂબહૂ.
કીકીના રડારમાં સૌની છબી ઝિલાય.
આ સંખ્યાનો સવાલ નથી,
સમ્બન્ધનો ફાલ છે, મા જાણે આખી ધરતી!
પિતાજીને અગ્નિસંસ્કાર માટે
નદીકિનારે એકલશૃંગી લઈ ગયેલા.
એ તપોભૂમિની પાસે જ માનું પિયર.
નદી અને વરસાદે સરજેલી ટેકરીઓ ચઢીને
ખીજડાનો કૂટો લેવા જતી સહિયરો...
બધાં સંભારણાં હર્યાંભર્યાં.
એ પાર બદપુરા, આ પાર બાપુપુરા,
વચ્ચે સાસરિયાની વાટ,
ઉચાટ વગરનો સંસાર.
ખળામાં અનાજ,
ઘરમાં ઘી દાણાદાર,
માખણ બરાબર તાવીને મા એનું તેજ પ્રગટાવે.
પછીતથી આંગણા સુધી
બધું જ સુઘડ, ધૂપદીપની ઝળાંહળાં.
ગરીબ કે ઘરાક
ભરથરી કે ફકીર
કોઈ ઠાલું ન જાય.
છાબડી છલકાય એટલા રોટલા ઘડે રોજ.
મહેમાનો માટે શીરો કે સુખડી.
વારતહેવારે માલપૂઆ ને લાડુ,
શ્રાદ્ધના દિવસોમાં ખીર
દિવાળી પર સુંવાળી ને વડાં.
ઘરમાં કોઈને તાવતરિયો આવે
તો માના હાથના શીરે સાજું થઈ જાય!
એક વાર અમદાવાદના ઘરે, ગૅલેરીમાં
જતાઆવતા લોકને જોતાં જ રહ્યાં,
પછી મૂંઝાઈને બોલી બેઠાંઃ
‘શું ખાતાં હશે આ બધાં?’
ગામમાં તો પેદા કરે એ ખાય.
એમ તો નોટોનું નાણું,
રાજાપરજા – બધું સમજતાં.
માતમા ગાંધી ને ઝવેરીલાલ નેરુ જેવા
આગેવાનોને વખાણતાં.
બીતાં નહીં,
પોતાની પરજાને કોઈ ગાળ દે તોય
દુર્ગા બની જતાં.
દીકરો અધવચ્ચે ઢળી પડે તો
ઝંડો લઈ આગળ વધતી મા
જેવી ગોર્કીની તેવી જ મારા ગામની.
મા લડે છે આપણને
ત્યારેય એ આપણા વતી લડતી હોય છે.
માને તો માયા એ જ મોક્ષ.
માળા ફેરવતાં જાય
ને ખબરઅંતર પૂછતાં જાય.
જસોદાજીએ બાળગોપાળના મુખમાં
ત્રિભુવન દીઠું
ત્યારથી બ્રહ્મવિહારી થઈ ગયું છે
માનું વાત્સલ્ય.
એની આશિષ ઊતરી આવે છે
સંતાનોના ખાલીપામાં,
સચેતન કરી જાય છે આગામી સવાર.
ચિતાની ટાઢી વાળવા ગયો
ત્યારે સૂર્યોદય થવામાં હતો.
માનાં ફૂલ જાણે મને ઓળખતાં હોય
એમ દુધિયલ આંસુ શાં ચમકી ઊઠ્યાં.
થોડાંક વીણ્યાં, શેષ સાચવીને વાળ્યાં.
ધવલોજ્જ્વલ રાખની ઢગલી પર
ભગવા રંગના મોરિયાનું ઝમતું જળ...
ઉપરની કુલડીમાં સોપારી ને ધરો,
નજીકના શેઢે નવા અંકુરો.
૧૯૮૯
(ફૂટપાથ અને શેઢો, પૃ. ૩૯-૪૩)