કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૩. હેલ્લારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. હેલ્લારો

રમેશ પારેખ

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો

આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલીતો હેલ્લારો

આ સરખેસરખી કળીઓ રમતી શમણું શમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો

આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો

કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો

એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો

આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો

આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો

૯-૧૨-’૭૨/શનિ, ૨૬-૮-’૭૮/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)