કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૧. એક અનુભવ તને કહું...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. એક અનુભવ તને કહું...

રમેશ પારેખ

એક અનુભવ તને કહું, લે, સાંભળ, સોનલ...

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,
ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.

ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,
અને અડપલું બોલી ઊઠ્યુંઃ જડી ગયું, દે તાળી...

અમે પૂછ્યુંઃ શું જડી ગયું તો કહે – નથી જે તે જ,
અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ.

ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ પગલું વાંચે કેમ,
એક જ પગલે કેટકેટલા પગના આવ્યા વ્હેમ.

પગલાં ઉપર અમે ચડાવ્યાં પાંપણનાં બે ફૂલ,
ટીપે ટીપે સપના સુધી બાંધ્યો ભીનો પુલ.

તોય અમે હાર્યા ને પગલું જીતી ગયું’તું અમને,
અમે જરીકે ધાર્યા ન્હોતાં છાના પગલે તમને.

ઘર આખ્ખું ને અમેય આખ્ખા ઝલમલ ઝલમલ,
ઓસરીએ અફળાતો દરિયો કલબલ કલબલ.

એક અનુભવ તને કહું, લે, સાંભળ, સોનલ...

૧૦-૧-’૭૫/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૨૯૮-૨૯૯)