કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૫. તારું પહેલા વરસાદ સમું આવવું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. તારું પહેલા વરસાદ સમું આવવું

રમેશ પારેખ

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું?

૮-૬-’૬૯/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૬૬-૬૭)