કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૮. ભૈરવી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૮. ભૈરવી

નિદ્રા મહીં – તિમિરશીતલ કંદરામાં –
રાત્રિ તણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
હૈયું, મને ધરતું જાગૃતિની હવામાં.

તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ,
અંજાય એની દૃગ માંહી પ્રશાન્ત દીપ્તિ!
અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ
આભાથી ઉજ્જ્વળ વિલક્ષણ રૂપ સ્હોતી!

ઉત્ફુલ્લ પદ્મ તણી હ્યાં પમરે સુગંધ,
માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે;
ને રોમહર્ષમય કંપનના તરંગે
શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત!

હે ભૈરવી! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!
(સંકલિત કવિતા, પૃ. ૨૫૪-૨૫૫)