કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૧. બોલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. બોલ

વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
બોલની હારે પાયલિયું રણકારે એને
માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.
હળવી જો’યે ચાલ,
ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
સરવા જો’યે કાન;
સાવજનીયે સોડમાં સરી કરીએ અટકચાળું.
ભમરીને મધ ફૂલનું,
હાથી હરણને ખડ ખેરુ,
ભોરિંગને ભલું મેડક, ને
ન્હોરવાળાંને છાગ વછેરું;
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યું હોય તો ભૂંડું ભાલુ.
તારલિયાનાં તેજ ને
વ્હેતાં વાંચીએ ઝરણપાણી,
આછેય તે અણસાર
ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નૅણથી વીંધાય રૅણનું કાજળ કાળું.
(સંકલિત કવિતા, પૃ. ૩૦૯)