કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૪. શરત
Jump to navigation
Jump to search
૩૪. શરત
પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.
ગોફણના એક ઘાવથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં ર્હેતાં
ચડવો મારે એક અવિચલ મેરુ.
ઊગતી આ પરભાતનો રાતો
રંગ ને ઘૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું;
આટલું મારું વૅણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ,
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.
(સંકલિત કવિતા, પૃ. ૩૧૫-૩૧૬)