કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૨. જોડિયો પાવો
Jump to navigation
Jump to search
૪૨. જોડિયો પાવો
જોડિયો પાવો વાજે,
લ્હેરિયાં લેતી આવતી હવા
અડતી મારા દલડાને દરવાજે,
ઊઘડી જતા આગળા,
ગલીગલીએ ધોળી રાત,
આંખ્યુંમાં સોણલું ઘારણ આંજે.
અવળુંસવળું ઓઢણ
ઓઢ્યું હોય તે ભલું,
આજ ર્હેતું ન્હૈ આછુંય મન મલાજે.
જોડિયો પાવો વાજે
આઘેથી વનરાઈની ઓલી મેર
બોલાવે જમુનાજીની પાજે.
ઓરાં ઓરાં સરતાં,
અધીરાઈની ઊની કેડીએ
મારાં ચરણ દુલાલ દાઝે.
હવણાં ઝકોર વાગશે
વેવલ વેગથી, ગગન ઢોળતી,
મારો અષાઢમેહુલો ગાજે.
(સંકલિત કવિતા, પૃ. ૫૪૧)