કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૪. વાણી
૪૪. વાણી
આજ શી વાણી ફોરતી
જાણે ફૂલની પ્રથમ ગંધ,
મોકળા આ અવકાશમાં મ્હાલે
દલના છોડી બંધ!
ઊઘડતે પ્હોર ઝીલતી ગગન
નીરખતી અરુણાઈ,
પાંદડાં કેરી પાંખ ફરૂકે,
ગાઈ રહે વનરાઈ;
પાગલ હવા ભમતી
ઘડી ભાનમાં, ઘડી અંધ!
આજ તો મારું સોણલું બને સાચું,
ગમતું સકલ આજ મને વીંટળાઈ વળે રે
સહુની સાથે નાચું.
ચોગમ આ રેલાય ને તોયે
આવડે નાને ઉર,
દુનિયા ડૂબી જાય રે એવાં
ઊમટે ક્યાંથી પૂર?
સહુનેયે પ્રાણ વસવું,
મીઠું હસવું, એવે ઢંગ;
આજ શી વાણી ફોરતી
જાણે ફૂલની પ્રથમ ગંધ!
(સંકલિત કવિતા, પૃ. ૫૭૯-૫૮૦)