કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૭. સઘળું જાય ભુલાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૭. સઘળું જાય ભુલાઈ

આમ તો ગમે ગલગોટો ને ગમતાં કરેણ જાઈ,
નીલ સરોવર કમલ જોતાં સઘળું જાય ભુલાઈ.
કોઈની મીઠી મ્હેક ને
ગમે કોઈનું મધુર ગાન,
કોઈનો વળી ઝલમલ કંઈ
ગમતો રૂડો વાન;
ભમતો ભ્રમર સઘળે સતત નિજનું ગાણું ગાઈ.
તેજની છૉળે ખેલવા મળે
અહીં, ને નયન અંધ,
મુગતિ કેરી મોજ મળે કોઈ
દલને કોમલ બંધ;
મધને અમલ ઘૂંટડે પીધી જાય રે અખિલાઈ.
(સંકલિત કવિતા, પૃ. ૮૭૪-૮૭૫)