કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૦. બીજરેખા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. બીજરેખા
(વસંતતિલકા – સ્રગ્ધરા)

‘આ જોઈ કે સજની! ઊજળી બીજરેખા,
મધ્યે સુરેખ વળી ગોળ કંઈક ઝાંખો!’
કેવાં દિસે કહી શકે? – નહિ ક્યાંથી તું કહે? –
મેં ના હજી કહ્યું તને?’ ‘ક્યમ એ વિના હું
કલ્પી નહીં શકું? લ્યો કહું’ ‘ક્‌હે’ ‘જુઓ ને
એ પાનીઢંક ઊભી પશ્ચિમ દિગ્‌વધૂના
ખુલ્લા રહ્યા નખ સમી પદ અંગૂઠાના.’
‘વક્તવ્ય એ ન મુજ.’ ‘તો કહું શંભુકેરા–’
‘શીર્ષે રહેલ શશિ શી! અહ કલ્પના શી
કે બીજ છે શશિ સમી!’ ‘બસ એ જ દર્પ! ૧૦
જાણે જગે તમ વિના નવ કોઈ જાણે!
ક્‌હેતી હતી, ગિરિશવાહન નન્દી કેરી
બે શીંગડી દ્યુતિમતી સમ બીજરેખા!
કહો એ ન સુંદર?’ ‘અરે, કવયિત્રી સાચું,
છે કલ્પના પણ હજી રમણીય મારી.
નિદ્રા મહીં સજની! આંખ બિડાય તારી,
ત્યારે રહે છ બીજ જેટલી માત્ર ખુલ્લી,
ને પોપચાથી કંઈ તારકગોળ, ઝાંખો
વચ્ચે દિસે છે!’ ‘નહિ કેવળ જુઠ્ઠું!’ ‘ચંડી!
તુંથી સૌંદર્ય છાનું વિરલ અનુભવ્યું, તેની આવી અસૂયા!’ ૨૦

(શેષનાં કાવ્યો, પૃ. ૨૪)