કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૧. સેન્ટ્રલ સ્ટેશને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. સેન્ટ્રલ સ્ટેશને
(મિશ્રોપજાતિ)

ન જાણું એવું તમને થતું કે?
જાઉં હું તો સ્ટેશન જ્યારે જ્યારે
કો મિત્ર સાધારણને વળાવવા–
છો હોય સામાન્ય જ ઓળખીતું–
તો યે જતાં ઊપડી ટ્રેન, જાઉં
ઊંડો ઊંડો ઊતરી કો વિષાદમાં.
ખરું પૂછો તો નથી કાંઈ સ્ટેશન
વિયોગનું સ્થાનક માત્ર એકલું,
સંયોગનું એ પણ એટલું જ,
છતાં ય સંસ્કાર કયા વિલક્ષણે ૧૦
જાણે વિયોગો ખડકાયલા ત્યાં
થતા મુજ સ્પર્શ થકી સચેત શું
ને એકલો ભાળી મને સતાવતા! ૧૩
એવી રીતે સેન્ટ્રલ સ્ટેશનેથી
જતો હતો કોઈકને વળાવી,
જાણે ઊંડા ખેદ મહીં ખૂંતેલા
ઉપાડતો હું પગ માંડમાંડ.
ત્યાં બીજી બાજુ ઊભી ટ્રેન કેરી
વાસેલી કો કાચની બારી સોંસરું
જોતો દીઠો બાળક એક ઊભોઃ ૨૦
માતા તણા કાંઈક ગૌર ઓછા
જરા સૂકા કેડ વીંટેલ હાથના
સિવાય આખેય શરીર નાગો!
કૂદી કૂદી લાળથી હાથ માતનો
ભીંજાવતો, ને ઘડી બારી સાથે
દબાવી મોં નાક ચીબું કરન્તો!
હુંયે જરા કૌતુકથી ઊભો રહ્યો
અને અમારી મળી દૃષ્ટદૃષ્ટ!
ઘડીક જોઈ સ્થિર મારી સામું,
પછી હસ્યો એ સ્ફુટ અટ્ટહાસ્ય– ૩૦
મોં માત્રથી – ગાલથી આંખથી ના–
હાથો પગો છાતી શરીર સર્વથી!
કૂદી કૂદી ઊલળી ઊલળીને
હલાવતો માતની દેહ આખી!
હસી પડ્યો હુંય, અરે ઊભે હસ્યા
અમારું એ દંત વિહોણું હાસ્ય! ૩૬
તાકી રહીને પછી મારી સામું
એવો થયો એ ખુશ હું પરે કે,
હિપ્પો સમું મોડું ઉઘાડી પહોળું
પાડી બરાડો કે ભણી ધસ્યો એ ૪૦
જાણે મને ખાઈ જવા જ આખો!
ને કાચને છેક લગાડી મોઢું
આડું ઊભું ખૂબ ઘસી ઘસીને
લીંપી દીધો લાળથી કાચ એવો,
કે સોંસરું નીરખતાં હું એની
દેખી શક્યો માત્ર વિરૂપ મૂર્તિ!
ને ભાઈ તો ત્યાં હસતા હતા કો
અકથ્ય સાર્થક્યની તૃપ્તિ મ્હાલતા! ૪૮
ત્યાં સીટી દૈ ઊપડી ગાડી ધીમે
તૂટ્યો અમારો પણ દૃષ્ટિતંતુ,
કિન્તુ હતું, દર્શન જેમ, એને
અદર્શને કૌતુક એક નવ્ય!
કૂદ્યો હસ્યો એ ઊલળ્યો ફરીથી. ૫૩
ગયો. કહ્યું છે કવિએઃ સુધન્ય
મેલી થતી બાળથી માત જેહ;
કિન્તુ ગમે તે અતરાપીયે છે
નિહાળનારો ક્ષણ એ સુધન્ય! ૫૭

(શેષનાં કાવ્યો, પૃ. ૬૧-૬૩)