કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૩. મને કૈં પૂછો ના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. મને કૈં પૂછો ના
(શિખરિણી)

મને કૈં પૂછો ના –
તમારા પ્રશ્નોના અપરિચિત ઊના શ્વસનથી –
લજાતી વેલીને કંઈ જ્યમ અચિંત્યું અડી જતાં,
બિડાયે સૌ પર્ણો, કુમળી સહુ ડાળી વળી જતી;
ખરે! તેવા મારા હૃદય સુકુમારાંકુર બધા
મિચાતા, ખેંચાતા વિષમ દિશ, ગૂંચાઈ પડતા,
અને ખુલ્લાં ભાનુકિરણ થકી એ વંચિત થઈ
થતા મૃત્યુ પામ્યા સમ જડ; મને કૈં નવ પૂછો!

*

મને કૈં પૂછો ના –
તમારા પ્રશ્નોનો ધ્વનિ ઉર મહીં પેસી જઈને –
બિજાપુરી પેલા ઘૂમટ મહીં કોઈ ધ્વનિ થતાં
ખૂણાખાંચામાંથી અગણિત અજાણ્યા અસમજ્યા
અવાજો ચોપાસે ઘૂમીઘૂમી હૂકાહૂક કરતા –
તમારો એક્કેકો ધ્વનિ ત્યમ પ્રવેશ્યે હૃદયમાં
અજાણ્યા કૈં ખૂણા નવનવ સવાલો ડણકતા,
અને મારો જૂનો ઘૂમટ ડગતો : કૈં નવ પૂછો!

*

મને કૈં પૂછો ના –
તમારા પ્રશ્નાઘાતથી ઊંડુંઊંડું ઊતરી જતાં –
દિએ જેવો કોઈ ડૂબકી દરિયાના તલ ભણી,
મહીં પાણી ચોપાસથી અનુભવે ભીંસ કરતું,
ઉઘાડી આંખે એ અધૂરું વળી અસ્પષ્ટ નીરખે,
ન દીઠાં ઓથારે પણ કદી જુએ સત્ત્વ વરવાં :
હુંયે એવાં દેખું વિકટ વરવાં સત્ત્વ હૃદયે.
હતાં? આવ્યાં? કે આ ડૂબકીથી જ ભાસ્યાં? નવ પૂછો!

(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૭)