કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ

રાવજી પટેલનો જન્મ તા. ૧૫-૧૧-૧૯૩૯ના રોજ તેમના મોસાળ – ભાટપુરા (જિ. ઠાસરા) ગામમાં થયો હતો. તેમનું વતન યાત્રાધામ ડાકોરની પશ્ચિમે સાત-આઠ કિલોમીટરના અંતરે આવેલ સૂઈગામની બિલકુલ નજીક આવેલું વલ્લવપુરા. માતા ચંચળબા. કૃષિકાર પિતા છોટાલાલ જીવાભાઈ પટેલ. રાવજીને ચાર ભાઈઓ અને બે બહેન. માતા-પિતા મહેનતુ, શ્રદ્ધાળુ, સંસ્કારી અને પૂરાં સામાજિક. પત્ની મહાલક્ષ્મીબહેન, પુત્રી અપેક્ષા. ગાર-માટીના લીંપણવાળા અને નળિયાંવાળા ઘરમાં અભાવગ્રસ્ત અને અપૂરતા પોષણ વચ્ચે રાવજીનો ઉછેર થયેલો. પ્રારંભનો અભ્યાસ સૂઈગામમાં. ધોરણ પાંચથી આઠ સુધીનો અભ્યાસ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં. શાળામાં રાવજી પ્રાર્થના ગાતા અને હાર્મોનિયમ વગાડતા. અભ્યાસ સાથે નોકરી થઈ શકે એ માટે પિતાએ રાવજીને તેના કાકાને ત્યાં અમદાવાદ મોકલ્યા. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી તેઓ એસ.એસ.સી. થયા. આર્ટ્ સ કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો. ઘરના મોટા દીકરા તરીકેની ફરજ નિભાવવા માટે કમાવાની જરૂરિયાત ઊભી થઈ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં – એમ જુદી જુદી જગાએ નોકરી કરી. ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે પણ થોડો સમય જોડાયેલા. રાવજીના શરીરમાં ક્ષય-રોગ વકર્યો હતો. ક્ષયનિવારણ કેન્દ્ર, આણંદ, અમરગઢ – ઝીંથરીના ક્ષયનિવારણ કેન્દ્ર, મુંબઈ, અમદાવાદ વગેરેમાં સારવાર. દર્દની સાથે સતત સર્જનપ્રક્રિયા ચાલુ રહી. તા. ૧૦-૮-૧૯૬૮ના રોજ અમદાવાદમાં અવસાન.

રાવજી પટેલે માતાપિતાનો સંઘર્ષ જોયો. પોતે સંઘર્ષ વચ્ચે જીવ્યા. તેમનું બાળપણ પ્રકૃતિને ખોળે વીત્યું. આથી પ્રકૃતિ તેમનામાં ઓતપ્રોત હતી. સમગ્ર ગ્રામ્ય પરિવેશ – ગામ, ગામનું તળાવ, પોંયણા, પાદર, સમગ્ર કૃષિસૃષ્ટિ – સીમ, શેઢા, હળ, બળદ, મોલ ભરેલાં ખેતરો, વૃક્ષો, ઋતુઓ, ઋતુઓ સાથે પરિવર્તન પામતાં પ્રકૃતિનાં રૂપો વગેરે રાવજી પટેલના લોહીમાં વહેતાં. જેનાથી તેમની સર્જક-પ્રતિભા ખીલતી રહી. ઉપરાંત રાવજી અભ્યાસકાળ દરમિયાન કવિતાઓ લખતા. અમદાવાદની નવચેતન સ્કૂલમાં ભણતા ત્યારે તેમને કવિતા લખતા જોઈને તેમના શિક્ષક અમુભાઈ પંડ્યાએ તેમનામાં રસ લીધો. તેઓ રાવજીને છંદો શીખવતા. તેમના કાવ્યસર્જનને પ્રોત્સાહિત કરતા. ગ્રામ્યસૃષ્ટિ છોડીને અમદાવાદ આવેલા આ સંવેદનશીલ કવિને પ્રકૃતિવિચ્છેદ અને શહેરી જીવનની કૃત્રિમતા – યંત્રસંસ્કૃતિ, સતત મૃત્યુનો ઓથાર વગેરે બાબતો અંદરથી હચમચાવી દે છે. કવિની આ વેદના કાવ્યરૂપ પામે છે. માત્ર ૨૮ વર્ષની ઉંમરે રાવજી પટેલ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. એટલું જ નહીં પરંતુ તેમની કવિતા પચાસ વર્ષ પછી પણ તાજગીભરી લાગે છે. તેમનો કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૧) મરણોત્તર પ્રકાશન છે. ‘અશ્રુઘર’ (૧૯૬૫) તેમની લઘુનવલ, ‘ઝંઝા’ (૧૯૬૬) નવલકથા અને ‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭) મરણોત્તર પ્રકાશન છે. કવિ રાવજી પટેલે એકાદ-બે એકાંકી લખવાના પણ પ્રયત્નો કરેલા. સર્જકમિત્રો સાથેના તેમના પત્રવ્યવહારમાં સર્જક રાવજીનાં જીવન અને સાહિત્ય-વિષયક વિચારો પ્રગટ થયા છે.

પ્રકૃતિ, પ્રેમ, વેદના-વિરહ, આવેગો, વતન અને પ્રકૃતિ વિચ્છેદ, શહેરી જીવન, હતાશા, મત્યુનો ઓથાર એવાં અનેકવિધ સંવેદનો રાવજીની કવિતામાં તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો દ્વારા સચોટ રીતે નિરૂપાયાં છે. તેમની કાવ્યસૃષ્ટિમાં તેમનાં સંવેદનો ગીત, ગઝલ, મુક્તક, હાઇકુ અને તાન્કા જેવા કાવ્યપ્રકારોમાં પ્રગટ થયા છે. તો તેમણે દીર્ઘકાવ્યો પણ લખ્યાં છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ લખે છે ઃ ‘તેમણે ગીતો માત્ર ચૌદ લખ્યાં છે પણ લિરિક તત્ત્વની દૃષ્ટિએ ઘણાં સમૃદ્ધ અને સુગેય છે.’ એ જ રીતે રાવજી પટેલનું સંવેદનવિશ્વ ઊર્મિકવિતામાં પ્રતિબિંબિત થાય છે. રાવજી પટેલનું ચિરંજીવ ગીત ‘આભાસી મૃત્યુનું ગીત’ આજેય લોકપ્રિય છે. લગ્નગીતના લયમાં લખાયેલું સ્વાનુભવનું આ મૃત્યુગીત છેઃ

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...’

ગુજરાતી ગીત-કવિતાના ઊંચેરા શૃંગ સમાન આ ગીતને ઉમાશંકર જોશીએ ‘હંસગાન’ તરીકે ઓળખાવ્યું છે. કવિએ મૃત્યુનો સ્વીકાર કરી લીધો છે, તેની તૈયારી રૂપે ‘વે’લ’ શણગારવાની, ‘શગ’ સંકોરવાની વાત કરતા કવિને ‘અજવાળાં પહેરીને ઊભેલા શ્વાસ’નો સાક્ષાત્કાર થયો છે. પરંતુ યુવાનવયે મૃત્યુને શરણે જતાં, હૈયામાં ધરબાઈને પડેલી ઇચ્છાઓના અશ્વો જાગી ઊઠે છે – ‘હણહણે’ છે. ‘અડધા બોલે’ અને ‘અડધા ઝાંઝરે’ ઝાલ્યા છે, એવા આ કવિને ‘સજીવી હળવાશ’ પણ ખૂંચે છે. હૈયાની સંવેદનાને ચોટદાર રીતે વાચા આપતાં કલ્પનો અને પ્રતીકો નોંધપાત્ર છે. એવું જ બીજું ઊર્મિગીત ‘તમે રે તિલક રાજા રામના’માં કાવ્યનાયકના હૈયામાં ઘૂંટાયેલી વેદના અને એકલતા પ્રગટ થાય છે :

‘તમે રે તિલક રાજા રામના.
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહોને સાજણ દખ કેવાં સહ્યાં!’

પ્રિયજન રાજા રામના ભાલપ્રદેશનું ‘તિલક’, પોતે ‘ચંદન કાષ્ઠ’, પ્રિયજન તો ‘ઊંચેરા ઘરના ટોડલા’! અને પોતે તો ‘પાછલી રવેશ’. પ્રિયજનનું ગૌરવ કરતાં કાવ્યનાયક જાણે છે કે તેણે કેવાં કેવાં દુઃખ સહન કર્યાં છે. આ પણ એટલું જ લોકપ્રિય ઊર્મિગીત છે. આવાં પરંપરાગત લય-ઢાળમાં લખાયેલાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. તો વિશિષ્ટ પ્રકારનું પ્રતિકાવ્ય – ‘મિસ જુલિયટનું પ્રણયગીત’ એ પાશ્ચાત્ય નાયિકાની ઉક્તિ રૂપે – પરંપરાગત લય-ઢાળમાં લખાયેલું છે. પ્રકૃતિ એ કવિ રાવજી પટેલના અસ્તિત્વનો અનિવાર્ય અંશ છે. તેઓ પ્રકૃતિમય રહ્યા છે. આથી જ તેમની કવિતામાં પ્રકૃતિ વહી આવે છે. સુંદર કલ્પનો અને પ્રતીકો દ્વારા કૃષિજીવનનો કાવ્યાત્મક વિનિયોગ તેમની કવિતામાં સતત વહ્યા કરે છે. આથી જ એમની પાસેથી ‘વરસાદી રાતે’, ‘હજીયે તે’, ‘સીમનું મન’, ‘હું તડકો – તમાકુ ને તું’ જેવી અનેક રચનાઓ મળી છે. ‘વરસાદી રાતે’માં જુઓ ઃ ‘મારા બાવડામાં દિવસ, બળદ, હળ; બારે મેઘ પોઢ્યા અને નળિયાંની નીચે મારી ઊંઘ પીંછા જેવી આઘીપાછી થયા કરે...’ તો ‘હજીય તે’માં ‘હું તો મારે આવું તેવું કર્યા કરું’ કહેેતાં કવિ આંગણામાં ખેતર મૂકવાની, ઘઉં ઓરવાની ને વીણવાની વાતો કરે છે. પણ તેમને મહુડાના આખેઆખાં વન વેડી દેવાની, ઓઢણીની ગોફણમાં આખી સીમને ઊંચકીને ડુંગરાની પેલે પાર ફંકી દેવાની ખેવના છે. ‘ઊંધુ ઘાલી સાંજ ખસી જાય. / ટહુકાના કૂંણાકૂંણા પ્હાણા મારા કાળજાને વાગે.’ કદાચ એટલે જ રોજિંદુ ઘરેલુ કામ કર્યા કરે છે. ‘હું તડકો-તમાકુ ને તું’માં જુઓઃ ‘સોનેરી પત્તાં તમાકુનાં આમતેમ તડકામાં અમળાતાં જાય એવો હું અમળાતો આળોટું તડકો થૈ તડકીલો જીવ મારો ન્હાય.’ પ્રકૃતિના પરિવેશમાંથી સહજ રીતે આવતાં કલ્પનો અને પ્રતીકો દ્વારા અંગત સંવેદનોની સચોટ અભિવ્યક્તિ થાય છે. કવિતા ઇન્દ્રિયભોગ્ય બને છે. ‘ઢોલિયે’, ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’, ‘અસંખ્ય રાત્રિઓને અંતે’, ‘બિછાનેથી’, ‘ભર્યા સમંદર’ જેવાં કાવ્યોમાં ભાવાવેગ પ્રગટ થાય છે. ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’માં જુઓ ઃ ‘ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા. નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી ઝૂકેલા સાંઠા! એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું આખું સાકરની કટકી-શું ખેતર જીભ ઉપર સળવળતું.’ આ કવિએ ‘એક મધ્યરાતે’ અને ‘શયનવેળાએ પ્રેયસી’ જેવાં કાવ્યો શિખરિણી છંદમાં લખ્યાં છે. તો માત્રામેળ છંદોમાં એમનું પ્રભુત્વ પમાય છે. ‘ઠાગાઠૈયા’ જેવી વિશિષ્ટ રચનાઓ પણ એમણે આપી છે. ‘આપણે શા ઠાઠ કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ! કવિતાને મોગરાની ખપે બસ – વાસ. ... ... .. મારે મન હંમેશના હવડ કમાડ ઘટમાળ–બટમાળ કશું નહીં, સાહ્યબીનો ચહેરો હવે સૂર્ય નહીં – સૂર્ય હવે છાણનું અડાયું મારે મન. મારે કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.’ રાવજી પટેલે દીર્ઘકાવ્યો પણ આપ્યાં છે. ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ એ હુંશીલાલના મરણ પછી ગવાતા મરસિયા રૂપે લખાયેલું વિલક્ષણ કાવ્ય છે. તેમાં મરસિયાનો રાગ, રોવા-કૂટવાના જુદા જુદા લય તેમજ હુંશીલાલના અતિશયોક્તિભર્યાં વખાણ વગેરે વક્રોક્તિ દ્વારા રજૂ કર્યાં છે. હુંશીલાલ એક દંભી, જુઠ્ઠા છે એ પાત્રને કેન્દ્રમાં રાખીને કવિએ વ્યંગ-કટાક્ષો કર્યાં છે. વિડંબના ઉપસાવી છે. સત્તા અને લાલસા વ્યક્ત કરતા આ મરસિયા – લોકરિવાજો પણ દર્શાવે છે. ‘સંબંધ’ જેવા દીર્ઘકાવ્યમાં રાવજીએ સતત પડછાયો થઈને રહેતું મૃત્યુ, સંબંધો, સંબંધોની પોકળતા, આંટીઘુંટી, સ્નેહ-પ્રેમની ઝંખના, તેના અભાવો વગેરે દ્વારા માનવ સંબંધોની સંકુલતા વ્યક્ત કરી છે. ‘અરે આ કોણે અમને ઝીંક્યા? .... ... ... અમને મરી ગયેલ મારે અમને પોતાના પડકારે ઘરમાં લોટ દોહીને ઉછેર્યા તે રણે ચડ્યા. ... ... ... ... ... ... ... ... ... મારી સપનાળી ઊંઘોને ઊઠ્યા ફરફોલા વત્સો, મારી નરમ નરમ મોટાશ – ગાલની ટશર ઉપર સઢ છૂટ્યા. લંગર લફરક દઈને તૂટ્યાં ભઈ, હું મડદાની આંખોમાં તરવા લાગ્યો!’ રઘુવીર ચૌધરીએ લખ્યું છેઃ ‘રાવજીએ સાહિત્યિક પરંપરાને, પોતાના વર્તમાન સમાજને સમૂળગો નકાર્યો નથી... શૈશવની સૃષ્ટિનો એક અર્થ એને માટે છેક સુધી ટક્યો છે. સ્વપ્ન પણ એના માટે પૂરતું આશ્વાસન હતું. તેથી જીવનનાં છેલ્લાં વર્ષોમાં પણ એ નેતિવાચક થયો નથી... (‘ઠાગાઠૈયા’ – જેવાં કાવ્યોમાં) રાવજી પરંપરાના નજીકના સગા તરીકે એની સામો થાય છે. રાવજીનો પરંપરા સાથેનો ઝઘડો એક પ્રેમીનો છે. તર્કશાસ્ત્રીનો નથી.’ મણિલાલ હ. પટેલે નોંધ્યું છેઃ ‘કવિતામાં ગ્રામજીવન અને સીમપ્રકૃતિને પ્ર-બળતાથી અને તાજપભરી કાવ્યાત્મકતાથી નિરૂપનારો રાવજી પ્રથમ ગુજરાતી કવિ છે એમ કહ્યા પછી પણ ઉમેરી શકાશે કે નગરજીવનના અનુભવે પેલા ગ્રામપ્રકૃતિવિચ્છેદના સંવેદનને વધારે મર્મગામી બનાવ્યું છે.’ — ઊર્મિલા ઠાકર