કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૮.રમ્ય શાંતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮.રમ્ય શાંતિ

રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે...
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદ્ગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી...
(અંગત, પૃ. ૩૦)