કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૪.ઢીંચણ પર માખી બેઠી ને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪.ઢીંચણ પર માખી બેઠી ને...

રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠી ને
મને રડવું આવ્યું;
હે... તું કેટલાં બધાં વર્ષો પછી
પાછી આવી ?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ
એની પર
કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સૂકઈ જતો, તૃણ તૃણ થઈ
ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટ બેસતા
અને ખરી જતાં
પણ મારા ઢીંચણ તો સાવ ઊંડી વાવ જેવા ખાલી ખાલી
આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છે :
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે... તું કેટલાં બધાં વર્ષો પછી
પાછી આવી ?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું,
મારા ઢીંચણને ચબ્બક ચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમુખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.
આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે ?
(અંગત, પૃ. ૫૬-૫૭)