કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૩.મેં કવિતા લખવાની શરૂઆત કરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩.મેં કવિતા લખવાની શરૂઆત કરી

લાભશંકર ઠાકર

કપાયેલી પાંખોવાળું કબૂતર
ક્યારનુંય
શેરીમાં ફફડ્યા કરે છે.
વન્ધ્યા ગર્ભાશયની
રિક્તતા
શેરીમાં થરક્યા કરે છે.
શેરીના ખાબોચિયામાં
આજે ફરી
શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.
પાંડુ વર્ણનો એક વૃદ્ધ
પશ્ચિમ ભણી ડગ ભરતાં
શેરીની વિષમ ભૂમિમાં
ઠેસ ખાઈને પડી ગયો.
તેમ છતાં
એક પતંગિયું
મારી ખરબચડી કાળી દીવાલો પર
બેઠું ન બેઠું...
અને
મેં કવિતા લખવાની શરૂઆત કરી.
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૮)