કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૬.અવાજને ખોદી શકાતો નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬.અવાજને ખોદી શકાતો નથી

લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો ! આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓને આપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને તરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું પણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો ! સાચે જ અવાજને ખોદી શકાતો નથી. ને ઊંચકી શકાતું નથી મૌન. (મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૫૩)