કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૫.આપણે પ્રવાસી પારાવારના
Jump to navigation
Jump to search
૩૫.આપણે પ્રવાસી પારાવારના
લાભશંકર ઠાકર
આપણે પ્રવાસી પારાવારના
ઠેબાતા પછડાતા
આપણે પ્રવાસી પારાવારના.
અકબંધ કોચલા જેવા
કહોવાયેલા
આપણે પ્રવાસી પારાવારના.
અટકાતા
બટકાતા
સંધાતા સમૂહોમાં
પરસ્પરથી સૂંઘાતા
આપણે પ્રવાસી પારાવારના.
ખભા વગરના હાથ વગરના પગ વગરના
પાછળથી ધક્કાતા
અતીતાતા
આપણે પ્રવાસી પારાવારના.
ઉચ્ચારાતા – સંભળાવાતા – સંગ્રહાતા
ભૂંસાતા – ભુલાઈ જવાતા – ઉકેલાતા
આપણે પ્રવાસી પારાવારના.
સંતોના – ભદંતોના – હંતોના – મહંતોના
મનોમાં મનોવાતા
પંથાતા
આપણે પ્રવાસી પારાવારના.
આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા
વિદેશાતા
વેશાતા
કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં
દિગમ્બરાતા
ભાષાતા
આપણે પ્રવાસી પારાવારના.
૧૭-૬-૧૯૯૮
(કિચુડ કિચુડ, 1૯૯૯, પૃ. ૨૯)