કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૬. અધૂરપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. અધૂરપ


નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે,
તિમિર છલકે ઘેરાં ઘેરાં ઉરે મધરાતને;
મુજ કુટિરનાં દ્વારો જૂનાં, અને અધઊઘડી
વિકલ દિલની આશા જેવી અવાવરુ બારીઓ.
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને.

વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.
કલહજનમ્યાં આંસુ તારાં ચહું સહુ પી જવા,
મુજ હૃદયની ખારાશે એ ભલે ભળી ઊછળે.
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.

મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું?
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૨૧)