કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૮. શરદની કોળામણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૮. શરદની કોળામણ


ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને
ઘઉંની તે વાવણી થાય,
ખેતરની ધરતી આ પીળી ને ભૂખરી,
નાનાં તે નાળાં સુકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.

જાર-બાજરીના દાના ડુંગરા અને
લીલુડાં શાક લહેરાય,
આંબો ને આંબલી, પીલૂડી-પીપળો,
પાછાં તે મન મલકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.

ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને
બીડનાં તે ઘાસ વઢાય,
ટહુકે છે કોશ સખી, લીલુડી વાડીએ
કીચૂડતાં ગીતડાં ગાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
(દીપ્તિ, પૃ. ૧૧૫)