કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી


Shunya Palanpuri.jpg



ગુજરાતના સત્ત્વશીલ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુરમાં. વતન પાલનપુર. મૂળ નામ અલીખાન બલુચ. પિતા ઉસ્માનખાન બલુચ. ઘોડાના સોદાગર હતા. માતા નનીબીબી બલુચ. ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાના જ્ઞાતા. પુત્ર અલીખાનને તેમણે ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાઓ શીખવેલી. પત્ની ઝુબેદાબીબી બલુચ. ચારેક વર્ષની વયે અલીખાને પિતાની છત્રછાયા ગુમાવેલી. એ પછી માતા સાથે મામાને ત્યાં પાલનપુર આવીને વસ્યા. સ્વમાની માતાએ કપડાં સીવીને, બીડીઓ વાળીને બાળકને મોટાં કર્યાં. પાલનપુરના પાધરિયા વાસમાં અલીખાનનો ઉછેર. કિશોરાવસ્થામાં તેઓ પાનનો કરંડિયો લઈને ઘેરઘેર પાન વેચીને માતાને મદદરૂપ થતા. માધ્યમિક શિક્ષણ પાલનપુરમાં. તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. તેમણે પાલનપુરી પ્રિન્સ ઇલેવનમાં અગિયાર વર્ષ સુધી વિકેટકીપિંગ પણ કરેલું. મૉડર્ન ક્રિકેટ ક્લબની સ્થાપના પછી તેઓ ચાર વર્ષ સુધી સુકાનીપદે રહેલા. ક્રિકેટને કારણે તેઓ નાનપણથી જ પાલનપુરના નવાબજાદા મહંમદ ખાનજીના સંપર્કમાં હતા. મૅટ્રિક થયા એ પછી પાંચ વર્ષે તેમને ઉચ્ચ અભ્યાસ કરવાની લગની લાગી. પાલનપુરના નવાબજાદાની ભલામણથી પાજોદના દરબાર ઈમામુદ્દીનખાન રુસ્વા મઝલુમીએ અલીખાનને જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં પ્રવેશ અપાવ્યો. પરંતુ તેઓ અભ્યાસ પૂરો ન કરી શક્યા. ૧૯૪૫થી તેમણે પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે સત્તર વર્ષ સેવાઓ આપી. ત્યાંથી પાલનપુરના નવાબજાદા સાહેબે તેમને પોતાના અંગત મદદનીશ તરીકે બોલાવી લીધેલા. નોકરી છૂટી જતાં તેઓ ખૂબ હાડમારીભર્યું જીવન જીવ્યા. ૧૯૫૭-’૬૦ દરમિયાન તેમણે અમદાવાદમાં વસવાટ કરેલો. તેઓ વટવામાં રહેલા. એ પછી તેમણે મુંબઈમાં ‘પ્રજાતંત્ર’ દૈનિકના તંત્રીવિભાગમાં કાર્ય કર્યું. ૧૯૬૨થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી વિભાગમાં જીવનના અંત સુધી જોડાયેલા રહ્યા. ૧૭ માર્ચ ૧૯૮૯ના રોજ પાલનપુરમાં નવશહીદોના કબ્રસ્તાન-(ઈદગાહ)માં દફન થયા. ‘શૂન્ય’ પાલનપુરી પાસેથી ૧૯૫૨માં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂન્યનું સર્જન’ મળ્યો. ત્યારબાદ ‘શૂન્યનું વિસર્જન’ (૧૯૫૬), ‘શૂન્યના અવશેષ’ (૧૯૬૪), ‘શૂન્યનું સ્મારક’ (૧૯૭૪), ‘શૂન્યની સ્મૃતિ’ (૧૯૮૩) વગેરે સંગ્રહો મળ્યા છે. એમના બધા જ સંગ્રહોનો સમાવેશ કરતો ગ્રંથ ‘શૂન્યનો વૈભવ’ (૧૯૯૧) પ્રગટ થયો. ‘શૂન્ય’ના સમગ્ર સર્જનને આવરી લેતી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૦માં ‘શૂન્યની સૃષ્ટિ’ નામે પ્રગટ થઈ છે. આ ઉપરાંત ‘દાસ્તાને જિંદગી’ એ તેમની ઉર્દૂ રચનાઓ છે. ‘ખૈયામ’ એ ખૈયામની ૧૫૬ રૂબાઈઓનો ગુજરાતી અનુવાદ છે, જેને તેમનું અનુસર્જન કહી શકીએ તેવો ગઝલકાર-સર્જકે કરેલો સુંદર અનુવાદ છે. તેમની પાસેથી ‘અરૂઝ’ (૧૯૬૮) મળે છે, જેમાં શેરની શાસ્ત્રીય ચર્ચા છે. જે અભ્યાસીઓને ઉપયોગી છે.

‘શૂન્ય’ પાલનપુરીએ ‘અંગત’ શીર્ષક હેઠળ ‘શૂન્યનું સ્મારક’ના નિવેદનમાં જણાવ્યું છે કે તેમને નાનપણથી કવિતા લખવાનો શોખ હતો. તેઓ અંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્યારે અંગ્રેજી કવિતાઓ લખતા. જોકે એ માત્ર જોડકણાં હતાં. સ્કૉટ અને ટેનીસન તેમના પ્રિય કવિઓ હતા. પરંતુ ગ્રેની ઈલેજીએ તેમનામાં મહત્ત્વાકાંક્ષાનાં બીજ રોપેલાં. બાલ્યાવસ્થામાં પિતાનું અવસાન થતાં જીવનમાં અનેક યાતનાઓ શરૂ થયેલી. બાળપણ છીનવાઈ ગયેલું. એ સમય દરમિયાન અલીખાન બલુચના કાને ગાલિબનો શેર પડે છેઃ


‘જિંદગી અપની જબ ઇસ તૌરસે ગુજરી ગાલિબ
'હમ ભી ક્યા યાદ કરેંગે કે ખુદા રખતે થે.’

આ સાંભળતાં જ આ કવિને ઉર્દૂ ગઝલનો માર્ગ મળી ગયો. અંગ્રેજી કાવ્યોના વાચનને બદલે ઉર્દૂ ગઝલોનું વાચન શરૂ થયું. અચાનક કવિને ગઝલની સરવાણી ફૂટીઃ


‘હમસે જબ ઇન્તકામ લેતે હૈં
અપના દિલ થામ થામ લેતે હૈં
ખેલનેકી જો દિલમેં આતી હૈં
મેરી હસ્તીસે કામ લેતે હૈં
હમને મહેમાં બગૈર પી હી નહીં
ગમ જો આયા તો જામ લેતે હૈં’

૧૯૩૭-’૩૮માં તેમણે ‘રૂમાની’ તખલ્લુસથી ગઝલો લખવાની શરૂ કરી. એ પછી તેમણે ‘અઝલ’ તખલ્લુસ ધારણ કર્યું. આમ સોળ વર્ષની વયે સૌને આશ્ચર્યચકિત કરી દે એવી શુદ્ધ ઉર્દૂ ગઝલોનું સર્જન શરૂ થયેલું. પાલનપુરના નવાબજાદા સાહેબને ઇચ્છા હતી કે પાલનપુરનું નામ દુનિયામાં ગાજતું થાય. તેમની આ વ્યથા અને કવિના ‘કૈંક થવાના કોડ’ને કારણે તેમણે પોતાના ઉપનામ પાછળ ‘પાલનપુરી’ શબ્દ જોડ્યો. બાળક અલીખાનને માતા અને મોસાળના પરિવારમાંથી સંગીતમય વાતાવરણ મળેલું. મુસાફિર પાલનપુરીએ નોંધ્યું છે, તેમ ‘શૂન્ય’ પાલનપુરીનાં જીવનઘડતર અને સફળતાના પાયામાં તેમની માતાનો ફાળો અગ્રિમ સ્થાને છે. એ સાથે કવિને સતત પ્રાપ્ત થયેલ નવાબી વાતાવરણે તેમના કવિ-જીવનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમને એ માહોલમાં અનેક મહાનુભાવોનો પરિચય થતો રહ્યો. જૂનાગઢમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ઉર્દૂ શાયરીની બોલબાલા હતી. ત્યાં સતત મુશાયરાઓ થતા. એક વાર પાજોદના દરબાર રુસ્વા મઝલુમી તેમને મુશાયરામાં લઈ ગયા. તેમનો પરિચય કરાવ્યો. ગઝલ સંભળાવવા ફરમાન કર્યું. ત્યારે તેમણે...


‘ક્યા સુનાઉં? ક્યા સુનોગે? દાસ્તાને ઝિંદગી?
ગમઝદોંકા તલ્ખ હોતા હૈ બયાને ઝિંદગી.’

– ગઝલ સંભળાવી. એ પછી આ ગઝલકાર જૂનાગઢમાં પ્રસિદ્ધ થઈ ગયા. અભ્યાસ છોડ્યો. એ પછી ‘રુસ્વા મઝલુમી’ના અંગત મંત્રી શ્રી અમૃત ઘાયલનો પરિચય થયો. અમૃત ઘાયલે ‘અઝલ’ પાલનપુરી – અલીખાન બલુચને ગુજરાતીમાં ગઝલ લખવાનો આગ્રહ કર્યો. અમૃત ઘાયલે તેમને ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું. એ રીતે તેઓ ‘શૂન્ય’ પાલનપુરી બન્યા. રુસ્વા મઝલુમીના આગ્રહથી અમૃત ઘાયલ અને ‘શૂન્ય’ પાલનપુરી મુશાયરામાં જતા. અમૃત ઘાયલ લખે છે કે એ બન્ને પાસે ‘કવિતા, કંઠ અને કહેણી’ હતા. આથી તેઓ બંને મુશાયરામાં છવાઈ જતા. ગુજરાતી ગઝલક્ષેત્રે ‘રુસ્વા’, ‘શૂન્ય’ અને ‘ઘાયલ’ મુશાયરાના રંગમંચ પર અગ્રસ્થાને રહેતા. આમ તેમની ભીતરના ગઝલકારને વિકસવા માટેનું વાતાવરણ મળી રહ્યું. જીવનની વિફળતા–ગમગીનીએ તેમને સફળ ગઝલ-સર્જક બનાવ્યા. તેમનું સંઘર્ષમય જીવન ગઝલ-સ્વરૂપમાં ઉઘાડ પામ્યું.

ગુજરાતી ભાષામાં ગઝલનો સમૃદ્ધ વારસો આપનાર ‘શૂન્ય’ પાલનપુરીએ શુદ્ધ ગુજરાતીમાં ગઝલિયતને અવતારી છે. સાવ સાદી સરળ ભાષામાં હૃદયસોંસરવી ઊતરી જાય તેવી હૃદયના ભાવોની અભિવ્યક્તિ નોંધપાત્ર બની રહે છે. સંવેદનની સચ્ચાઈ અને અનુભૂતિની તીવ્રતા સાથે તેમણે ગઝલમાં વેદના, વ્યથા, વિરહ, શોક કે દુઃખની લાગણીને ગઝલના સૌંદર્ય સાથે શબ્દસ્થ કરી છે. શ્રી રમેશ પુરોહિતે લખ્યું છેઃ ‘શૂન્યમાં ગિરનારી નાદસૌંદર્ય છે, જૂનાગઢમાં અને પાજોદમાં રજવાડી શાનોશોકતની સામેલગીરી છે. ગિરના સિંહની ખુમારી છે તો તુલસીશ્યામના ગરમ પાણીવાળા ડુંગરમાં ધરબાયેલો લાવા શબ્દો બનીને આવે છે.’ ‘શૂન્ય’ એમના જીવનની વાતો સરળ ગઝલબાનીમાં નિરૂપે છેઃ


‘ગઝલ રૂપે જીવનની દર્દબાની લઈને આવ્યો છું,
બધા સમજી શકે એવી કહાની લઈને આવ્યો છું.
... ... ...
શું વીતી મારા જીવન પર, બધો એમાં ખુલાસો છે,
સિતારા સાથ ઝાકળની જુબાની લઈને આવ્યો છું.’

સ્વરરચના કરનારને આપોઆપ સુંદર લય, લય-આવર્તનો મળી રહે તેવો ગઝલનો છંદ-લય જુઓઃ


‘એક બાજીના બે રમનારા, એક હારે તો જીતે બીજો,
પ્રેમની બાજી કિંતુ અનોખી, બેઉ જીતે; બેઉ હારે.
ભીની ભીની પ્રેમની જ્વાળા, ઝગમગ ઝગમગ આંખનાં અશ્રુ,
જાણે આગ મલ્હાર લગાવે, દીપક એનો તાપ વિદારે.’

વ્યંજનાની આ વેધકતા જુઓઃ


‘આ જખ્મો, આ અશ્રુ આ પાલવના લીરા!
જવાની! હવે કેવો શણગાર બાકી?
... ... ...
કહું કેમ આવી ગયો અંત દુઃખનો!
હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.

આ પીડા અને યાતનાઓને કારણે કવિને કેવું જીવનદર્શન લાધ્યું છે!


‘એક ઘરે છે રામણદીવો, બીજા ઘેરે દોણી,
બળતા આ સંસારની વાતો, તોયે ન સ્વાર્થ-વિહોણી,
જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સરખાં હૈયે કોણ ઉતારે?
          આ સંસારે!
... ... ...
શ્વાસની આ વણઝાર પળેપળ, ચાલી જાયે દૂરે,
ધૂળના ગોટેગોટા ઊડીને પાછળ મારગ પૂરે,
ક્યાંક વિસામો, ક્યાંક ઉતારો, થાક ઘડીક ઉતારે,
          ભવપગથારે.’

આ ક્ષણભંગુર જીવનમાં મનુષ્ય તેના સ્વાર્થમાં જ રાચે છે. સાચાં-ખોટાંનો, સારાં-નરસાંનો ભેદ પામી શકતો નથી. સતત મૃગજળ પાછળ દોટ મૂકે છે. ખુદા પ્રત્યેની એમની શ્રદ્ધા અતૂટ છે, ખુમારી અટલ છે, આથી તેઓ કહે છેઃ


‘નાવ ડુબવવા કાજે સાગર લાખ ઉછાળા ખાએ!
નાવિક જેનો અણનમ એનો વાળ ન વાંકો થાએ,
માથું પટકી નિષ્ફળ મોજાં છેવટ હિંમત હારે,
શૂન્ય કિનારે.’

કવિએ જીવનનું સત્ય લાધ્યું છે. પાપ અને પુણ્યની ઘટમાળ અટકી શકે તેમ નથી એટલે જ તો કવિ કહે છેઃ


‘જિન્દગીને જિન્દગી રે’વું છે જગમાં એટલે
પુણ્ય સાથે પાપને પણ એ નભાવી જાય છે

હૃદયની વેદના, વિરહ, પ્રણયવૈફલ્ય વગેરેના સહજ સ્વીકાર સાથે આ કવિના અનુભવોનું સત્ય કાવ્યરૂપ–ગઝલરૂપ પામ્યું છેઃ


‘મજા આવે છે કેવળ ચાલવામાં,
અહીં મંઝિલ તણી કોને પડી છે?
... ... ...
મધુરું સ્મિત શું ફરકે છે હોઠે!
હૃદયની વેદના રમતે ચડી છે.’

હૃદયની વેદનાને પણ આ કવિએ કેવી રમતિયાળ કલ્પી છે. વેદના પણ રમતે ચડે ત્યારે હોઠ પર મધુરું સ્મિત થઈને ફરકે છે. એ જ કવિ કહે છેઃ


‘ગમનો પણ આઘાત છે કેવો?
હસતાં હસતાં રોઈ પડાયું.’

છતાં આ કવિની ખુમારી અને મિજાજ જુઓઃ


‘મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.’

*

‘બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.
... ... ...
એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ —
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.
પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.’

તો તેમની પાસેથી ઉપદેશાત્મક શે’ર પણ મળે છેઃ


‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’

‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં બોલચાલની સહજ સરળ ભાષા તેમજ છંદ-લય સહજ રીતે ચાલે છે ને ગઝલ પર ગઝલ સર્જાતી આવે છે. ટૂંકી બહેરમાં પણ એમણે ઉત્તમ ગઝલો સર્જી છે; જેમ કે –


‘જીવન હો અમૃત કે ઝેર,
ખાવું, પીવું, લીલા-લહેર.
... ... ...
છોડ અભરખા શૂન્ય થવાના,
ઈશ્વરથી કાં બાંધે વેર?’

આ ગઝલની લયકારી જુઓ, ઝીણું નકશીકામ જુઓ –


‘મારી મિલકત, ધૂળની ચપટી,
સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.
એક નજરમાં દિલની વાતો,
મોઘમ જાહેર, જાહેર મોઘમ.
... ... ...
થનગન હૈયું, રિમઝિમ આશા!
રૂપની પાયલ, પ્રેમની સરગમ.’

‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં જીવન વિશેનું ચિંતન, દર્શન સંવેદનની સચ્ચાઈ સાથે પ્રગટ થાય છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ લખે છેઃ ‘શૂન્ય તો અલગારી શાયરનાં ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોનાં મૂળિયાં આત્મતત્ત્વ ને પરમતત્ત્વની ભોંયમાં હોવાનું વરતાય છે.’ તો કવિશ્રી હરીન્દ્ર દવેએ નોંધ્યું છેઃ ‘શૂન્ય સંસારવિષયક વ્યથાથી આરંભી પરમાત્મા-વિષયક વિષાઘ્ની આધ્યાત્મિકતા સુધી ગતિ કરે છે. એટલે તો ‘તગઝ્ઝુલ’ (સાંસારિક પ્રેમ) અને ‘તસવ્વુફ’ (આધ્યાત્મિક પ્રેમ) બંનેમાં ઉત્તમ ભૂમિકાએ પહોંચતા અશઆર શૂન્યનાં સર્જનોમાં સાંપડે છે.’ બિનસાંપ્રદાયિક વ્યક્તિત્વ ધરાવતા આ કવિ-ગઝલકાર પોતાનો પરિચય આમ આપે છેઃ


‘પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.’

આ ગઝલકારને દરદનો બરાબર પરિચય છે, આથી જ તો એ ગઝલકારના મિજાજપૂર્વક, શેરિયતપૂર્વક, ગઝલિયતપૂર્વક કહે છેઃ


‘તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો;
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.’

આ કવિએ – ગઝલકારે વેદાંતના તત્ત્વજ્ઞાનનો મહિમા પણ તેમની ગઝલોમાં ગાયો છે; જેમ કે –


‘ ‘શૂન્ય’માંથી આવ્યા’તા ‘શૂન્ય’માં જવાનું છે, કોણ રોકનારું છે?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા.’

‘શૂન્ય’માંથી ‘આવવું’ અને ‘શૂન્ય’માં ‘ભળી જવું’ની વાત કેટલી સહજતાથી ગઝલરૂપ પામી છે. કેટલી નિર્ભીક રીતે કવિ મૃત્યુનો સ્વીકાર કરે છે! ‘અલખ’ ‘નિરંજન’ પણ આ ગઝલકારમાં આશ્ચર્ય થાય એ રીતે પ્રગટે છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું છેઃ ‘શૂન્ય’ જેવું વિરાટ, બ્રહ્માંડ જેટલું અદ્ભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે, પણ હિંદુ મિથ, કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દપ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે, આનંદાશ્ચર્ય આપે છે.’ બક્ષીની વાતના સમર્થનમાં આ પંક્તિઓ જુઓઃ


‘સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.
ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,
કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?
સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.’

જીવનમાં અનેક દુઃખો વેઠીને, દુઃખોને નહીં ગાંઠીને ‘તગઝ્ઝુલ’ (વ્યવહાર જગતનો પ્રેમ)થી તસવ્વુફ (આધ્યાત્મિક પ્રેમ)ના શિખર ભણી સફળ ગઝલયાત્રા તથા જીવનયાત્રા કરનાર શૂન્યસાહેબને સો સો સલામ. — ઊર્મિલા ઠાકર