કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૩. ફૂલોની દડી છે
Jump to navigation
Jump to search
૧૩. ફૂલોની દડી છે
છે એની યાદ ને અશ્રુ-ઝડી છે;
નવી શક્તિ હૃદયને સાંપડી છે,
જીવન ભવસાગરે એક નાવડી છે,
ન ડૂબી છે ન જે કાંઠે ચડી છે.
પ્રણય છે આ કે આંખોની રમત છે?
હૃદય છે આ કે ફૂલોની દડી છે?
કહે છે કોણ મૃત્યુ-ગીત એને?
આ શ્વાસોચ્છ્વાસ જીવનની કડી છે.
મજા આવે છે કેવળ ચાલવામાં,
અહીં મંઝિલ તણી કોને પડી છે?
હૃદયના જખ્મને પૂછી રહ્યો છું,
નજર કોની નજર સાથે લડી છે?
ધરે છે જખ્મ પુષ્પો અંજલિનાં,
છબી એની હૃદય સાથે જડી છે.
મધુરું સ્મિત શું ફરકે છે હોઠે!
હૃદયની વેદના રમતે ચડી છે.
કરે છે શૂન્ય જે પ્યાલીનું વર્ણન,
કોઈની એ મદીલી આંખડી છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૬૯)