કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૫. સિતારી જોઈને
Jump to navigation
Jump to search
૧૫. સિતારી જોઈને
રૂપ જોઉં છું જગતને રૂપધારી જોઈને;
ઓળખી લઉં છું ચિતારો ચિત્રકારી જોઈને.
સ્વાશ્રયી વન-પુષ્પને આપું છું દિલથી ધન્યવાદ!
રોજ લૂંટાતી પરાધીન પુષ્પ-ક્યારી જોઈને.
રહી શકી ખામોશ ના સાચા કલાધરની તલપ;
આંગળી તડપી ઊઠી સૂની સિતારી જોઈને.
ધૂમ્રના ગોટા વિના ઊંચે કશું જોયું નહિ!
ઉન્નતિ મૂંઝાય છે દૃષ્ટિ અમારી જોઈને.
ચાંપતા લેવા ઉપાયો, આગ ચાંપે છે દિલે;
આંખનું પણ દિલ દ્રવે છે, દર્દકારી જોઈને.
શૂન્ય જે માથું ઉઠાવે મોતથી એ શું ડરે?
જોઈ લીધું એક બુદ્બુદની ખુમારી જોઈને.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૬)