કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૦. પથ્થરને પણ આરામ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. પથ્થરને પણ આરામ છે


દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે;
વિરહની પીડા ટળી તો ઘરને પણ આરામ છે.
દોરવા પડશે નહીં આલેખ તડપનના હવે,
આંખ બિડાઈ જતાં બિસ્તરને પણ આરામ છે.
એક બિસ્મિલની શહીદી, ચેન સ્થાપી ગઈ જગે,
શાંત છે જલ્લાદ ને ખંજરને પણ આરામ છે.
વીંધશે ક્યાંથી હવે એને નિસાસા રાતના?
તારલા ડૂબી જતાં અંબરને પણ આરામ છે.
ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાંની ખલેલ;
નાવ ડૂબી તો હવે સાગરને પણ આરામ છે.
શૂન્ય પહેલાં નિત હતી અણઘડ પ્રહારોની ફિકર,
દેવ થઈને તો હવે પથ્થરને પણ આરામ છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૧૮)