કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૬. ઉકળતો ચરૂ છે
Jump to navigation
Jump to search
૩૬. ઉકળતો ચરૂ છે
મળી આંખ તે દીથી બળવું શરૂ છે,
હવે તો જીવન એક ઉકળતો ચરૂ છે.
હવે પ્રીતનો તાગ મુશ્કિલ છે પ્યારા!
હતું બીજ કાલે તો આજે તરુ છે.
એ થનગનતા હૈયાને દીવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરૂ છે.
સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય-કેડી,
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરૂ છે.
નયનને કહો નામ બોળે ન દિલનું,
કે સંયમમાં એની કૈંક આબરૂ છે.
હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં શૂન્ય રૂપે ખુદા રૂબરૂ છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૬૫)