zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી

કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૮. બાકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮. બાકી


હજુ કોઈ આંખોમાં છે પ્યાર બાકી,
હજુ અમ જીવનનો છે આધાર બાકી.

તિમિર ફેડવું વ્યર્થ છે જ્યોત કેરું,
હજુ દીપ હેઠળ છે અંધકાર બાકી.

આ જખ્મો, આ અશ્રુ આ પાલવના લીરા!
જવાની! હવે કેવો શણગાર બાકી?

મને ભૂલનારો એ સાકી ન ભૂલે,
જો પીનાર છે તો જ પાનાર બાકી.

હજુ આંખ ડૂબી નથી અશ્રુઓમાં,
છે જીવનકથાનો હજુ સાર બાકી.

વગર કારણે હોય આંસુ ન ઊનાં,
હશે દિલ મહીં ક્યાંક અંગાર બાકી!

જીવનની વફાનો પુરાવો ન માગો,
રહે જ્યાં લગી દિલમાં ધબકાર બાકી.

કહું કેમ આવી ગયો અંત દુઃખનો!
હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૭૪)