કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. રંગ રંગ વાદળિયાં

સુન્દરમ્

હાં રે ગ્યાં ’તાં,
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે ઊઠ્યાં,
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આકાશના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં,
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં,
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં,
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અેમ પોઢ્યાં,
છલકતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે અમે જાગ્યાં,
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં,
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે આવ્યાં,
હો રંગ રંગ અંગે,
અનંત રૂપરંગે,
તમારે ઉછંગે,
કે રંગ રંગ વાદળિયાં.

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)