કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨. સીતાજીનો પોપટ
સુન્દરમ્
પઢો રે પોપટ રાજા રામના — એ ઢાળ)
પઢો રે પોપટ મારા બાપલા, કોયો ભગત પઢાવે,
ખુલ્લું મૂકી પીંજરબારણું, સાચા રામ જપાવે. (ટેક)
મીઠી કુંજો તારા દેશની, મીઠાં નદીઓનાં પાણી,
મીઠાં મંડળ ભેરુભાઈનાં, મીઠી મેનાની વાણી. પઢો રેo
મીઠી જીવનની લ્હેર એ શું તે પીંજરે દીઠી?
ખાધું બીજાનું ખવાડ્યું જે, બોલ્યો બોલી અજીઠી. પઢો રેo
અરર, પોપટ તને પૂરવા જાતે સીતાજી આવ્યાં,
વગડાના વાસીને ઝાલવા કૈં કૈં લાલચ લાવ્યાં. પઢો રેo
લીલા વઢાવ્યા વાંસડા, ચૂરમાં ઘીનાં કરાવ્યાં,
મોઢે વદી રામનામે તારાં અંગ ઝલાવ્યાં. પઢો રેo
પણ રે પોપટ તારા પાંજરે લીલા વાંસ સુકાયા,
હીરા કે રતન રહ્યું નથી, થથરે તારી જ કાયા. પઢો રેo
કારમાં લાડ એ થઈ પડ્યાં, તારાં અંગ રૂંધાયાં,
ભૂલ્યો તારી મૂળ ભોમકા, ભૂલ્યો સૌ માડીજાયાં. પઢો રેo
સૂકું પોપટ તારું પાંજરું, સૂકું મરચાનું ખાણું,
સૂકું તારું ઉર થાય જો, લુખ્ખું થાય જો ગાણું. પઢો રેo
ઊડ રે પોપટ, ખોલું પાંજરું, લીલા વગડે જા ઊડી,
પાંખો થાકે ખાવા ન મળે, ભલે ભરખે ગારુડી. પઢો રેo
ભૂલી જાજે ગાવા રામને, કૌ કૌ એકલું ગાજે,
ચૂરમાં ઘીનાં ભલે ના મળે, સૂકાં વનફળ ખાજે. પઢો રેo
સાત સીતાજી આવે ભલે, તોયે ફરકી ના દેજે,
માણસજાત જુએ ત્યાંથી આઘો સૌ ગાઉ ર્હેજે. પઢો રેo
દુનિયાના રામે બાંધિયો, સીતા નારે પઢાવ્યો,
જે રે રામે તને સર્જિયો તેણે નહિ રે છોડાવ્યો. પઢો રેo
ભાઈભાડુંને ભેગાં કરી પોપટ આટલું ક્હેજે,
કોયો ભગત તને કરગરે, શરણે કોઈને ન ર્હેજે. પઢો રેo
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧-૨)