કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૫. અનુ દીકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૫. અનુ દીકરી

સુન્દરમ્

હજીય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનુ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામૂઈ!
હજીયે નયનો સમક્ષ પગ નાચી એવું રહે,
હજીય નયને તૂફાન ઊમટે જ એવું વળી.

અને કુસુમના કૂણા દલ સમું સ્ફુરે ગુંજન,
હજીય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,
રમાડતી કરાંગુલી થકી પ્રલંબ કેશાવલી.
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!

તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્‌હે ક્‌હે હવે!
મૂંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને.

અહો પણ હસી ઊઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?

ફેબ્રુઆરી, ૧૯૪૦

(યાત્રા, પૃ. ૭૮)