કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૮. સુધા પીવી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૮. સુધા પીવી?

સુન્દરમ્

સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્‌રસ મહીં.

નહીં આ પાર્થિવ્યે મલિન મન તે પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્‌હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ-શી રચવે લેશ મન ના.

મને દેવા ઇચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભૂંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન સમણાં —
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.

ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.

માર્ચ, ૧૯૪૪

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦૬)